પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧

ગર્ભનું હિત વિચારનાર પિતાએ ગર્ભ ધરનારી સ્ત્રીને પોતાની પત્ની ન ગણતાં ગર્ભની માતા ગણવી, અને ગર્ભાધાનથી તે ગર્ભના મોક્ષસુધી કામવાસના દૂર રાખી સ્ત્રીના શરીરને પવિત્ર ગણી તેને, ગર્ભની સેવામાં અર્પણ કરવું, અને આ સેવા કરવાના કામમાં તેને, પતિએ, બ્રહ્મચર્ય પાળી, દૂર ઉભા રહી, આશ્રય આપ્યાં કરવો. ગર્ભમોક્ષ પછી બાલક સ્તન્યપાન કરે અને માતાના અંગનું સત્વ ચુસે ત્યાંસુધી તે બાલકને પોષવાનું સત્વ ઓછું થાય નહી તેમ વર્તવાનો, તથા તેની માતાનું સત્વ બે પાસથી લુટાય નહીં એમ વર્તવાનો, બાલકના પિતા અને તેની માતાનો પતિ તેવો બેવડો ધર્મ છે. બ્રાહ્મણ–વાણીયાઓમાં આ ધર્મ પાળવાનો માર્ગ વૃદ્ધોએ ઘડી ક્‌હાડેલી રૂઢિએ રાખ્યો છે. તેમની સ્ત્રીઓ પ્રસવકાળ પ્હેલાં અને પછી કેટલાક માસસુધી પીયર ર્‌હે છે. આથી ઉભય કાળે તે સ્ત્રીઓ સાસુના ક્લેશથી અને પતિના કામવિકારથી મુક્ત ર્‌હે છે; અને પોતાની પ્રેમાળ માતાને હાથે સીમંતિની અને બાળકની માતા પોતાનું શરીર, પોતાનો આનંદ, અને ગર્ભ તથા બાળકોના પ્રતિ પોતાના ધર્મ સાચવે છે. પણ રત્નનગરીના રાજાઓના મંદિરમાં જુદો માર્ગ છે. તેમને ગૃહસ્થાશ્રમ કેવળ ભોગાશ્રમ નથી - તેમનું બ્રહ્મચર્ય જ્યારે જોઈએ ત્યારે તેમની પાસે તયાર છે. તેમની માતાઓ તેમની રાણીઓ ઉપર વત્સલ હોય છે.- બીજા લોકની સાસુઓ પેઠે સ્વાર્થી - અને દીકરીઓની પક્ષપાતી હોતી નથી. મલ્લરાજ ! હવેથી તું બ્રહ્મચારી થયો અને મેનારાણી ત્હારાં માતાજીને મંદિર ર્‌હેશે અને તેમની ચિંતા માતાજી કરશે.”

મલ્લરાજની માતાં નાગરાજના મરણ પછી છ - સાત માસે ગુજરી ગઈ હતી. બ્રેવ સાહેબ સાથેના યુદ્ધમાં પડેલા પાટવીકુમાર હસ્તિદંતની વિધવા સાસુ સાથે રહી હતી; અને યુદ્ધમાં યશસ્વી થયેલો પતિ : મૃત નથી પણ યશશરીર વડે જીવે છે ગણી, એક હાથે સૌભાગ્ય કંકણ રાખી અને બીજા હાથનું કંકણુ ભાંગી, યશસ્વી સ્વામીના યશસ્વી મરણનું અનુશોચન તજી તેમ જ મૃત પતિની પાછળ આનંદ ભોગનો કેવળ ત્યાગ કરી, પતિવ્રતા સૌભાગ્ય–વૈધવ્ય પાળતી હતી, અને ઈશ્વરની ભક્તિ અને સાસુની સેવામાં તેમ ધર્મવ્યવહારમાં અને ઉદાસીન– દશામાં કાળમાત્ર ગાળતી હતી. મરણકાળે રાજમાતાએ આ વિધવાને અને મલ્લરાજને પોતાની શય્યાપાસે બેલાવ્યાં અને તેમને આજ્ઞા કરી;