પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨

મલ્લરાજ, આયુષ્ય પહોચ્યું ત્યાં સુધી મ્હારો ધર્મ પાળી હું હવે ત્હારા પિતા અને ભાઈ જે દેશમાં ગયા છે ત્યાં તેમની પેઠે જાઉ છું. મ્હારી પાછળ શોક કરશો માં. ત્હારા મોટાભાઈનું યશશરીર જાળવનારી આ ત્હારી ભાભી, તેને હવેથી મ્હારે સ્થાને રાખજે, એ હવેથી ત્હારી અને ત્હારી રાણીની માતા, અને તમે એનાં બાળક, મ્હારામાં હવે ઝાઝું બોલવાની શક્તિ નથી. પણ સંક્ષેપમાં આ તમારો પરસ્પર ધર્મ કહ્યો તે પ્રમાણે, તમે બે જણ તમારી માતાએ પોતાના મરણકાળે કરેલી આ આજ્ઞા પાળજો. સૂર્યવંશનો અને રત્નનગરીના રાજમંદિરનો આ કુળાચાર છે.” જુવાન વિધવા ભણી જોઈ બોલી, “બેટા, તું હવે મ્હારે સ્થાને છે-હોં ! આપણે રાજવંશી ક્ષત્રિયાણીઓને ઉપદેશની જરૂર નથી. બેટા, મ્હારી જીભ બંધ થાય છે.- મને છેલી કોટી દે – મલ, મ્હારા હાથમાં હાથ મુક.” આંખમાં આંસુનાં પૂર સાથે બે જણાંએ વૃદ્ધ માતાની આજ્ઞા પાળી, એક તેને કંઠે ભેટી, બીજાએ તેના હાથમાં વચન આપ્યું, માતાની જીભ બંધ થઈ બોલાતું બંધ થયું. કંઠે વળગેલી વિધવા-વધૂને મરવા સુતેલી રાજમાતા છાતી સરસી બળવિનાને હાથે ડાબતી દેખાઈ, પુત્રના મુખ સામી તેની દૃષ્ટિ ઉઘડી વળેલી લાગી, પુત્રના હાથને સ્પર્શ થતાં માતાનાં આંગળાં તેને ઝાલવા જતાં હોય તેમ વળતાં લાગ્યાં. પ્રાણનો અવસાન આવતાં કાંઈક વિઘ્ન લાગ્યું. મલ્લરાજ બોલ્યો: “ માતા, તમારો પુત્ર ને તમારી પાછળ આ એનાં માતા મ્હારા જન્મની જનની ! આજ તું આ સંસારમાંના કોઈ માનવીનો વિચાર કરીશ નહી-ત્હારી કુખમાં પાકેલો રજપુત નાગરાજના કુટુંબને અને લોકને તેની જ પેઠે પાળશે. માતા, જેમ વગર ચિન્તાએ મ્હારા શુરવીર ભાઈ રણજંગમાં રોળાયા, જેમ મ્હારા ભાઈનો શોક કે પાછળ ર્‌હેનારાઓની ચિંતા રજ પણ કર્યાવગર મ્હારા પિતાએ આ ધરતીમાતાને ખોળે દેહ મુક્યો તેમ જ આપણ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓ આ લોકમાંથી પરલોકમાં વગરચિંતાએ અને વગરવાસનાએ જઈએ છીયે. માતા, તમે આ પ્રસંગે માત્ર આપણા કુલગુરુ સૂર્યદેવ અને તે સર્વના દેવ પરમાત્મા જે ભગવાન તેમનું સ્મરણ કરો અને તેમના તેજમાં ભળવાનો આનંદ અનુભવો ! રજપુતમાતા ! રજપુતમાતા ! યમરાજનું તેડું આનંદથી સ્વીકારવું એ આપણો કુલધર્મ છે ! રજપુતમાતા ! મરણ એ આપણું મંગળ છે.”

પુત્રના સામી એકદૃષ્ટિ કરતી માતાની આંખ મીંચાઈ, આંખ