પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪

મધુ૦ - (હસીને) “મહારાજ, સ્ત્રીપુરુષના શાસ્ત્રમાં પ્રણયકલહ[૧]. કહેલો છે તે ઉત્પન્ન કરવો એ મ્હારા જેવી રંક દાસીઓનું કામ છે.”

મલ્લરાજ – “ત્યારે તું તો દંશ દે એવી જ છે.”

મધુ૦ – “આવા દંશ દેઈ, માતાજીએ પાડેલું નામ સાર્થક કરું છું.”

મલ્લરાજ – “માતાજીનું નામ દીધું ત્યારે તો તું ક્‌હે તે સ્વીકારવું પડશે.” મહારાજ પલંગ પર બેઠો. રાણી પલંગની બાજુને અઠીંગી ઉભી.

મલ્લરાજ – “મધુમક્ષિકા, રાધાજીને ચંદ્રમુખી કહ્યાં તેમાં ખોટું શાનું લાગે ?”

મધુ૦ – “મહારાજ, ચંદ્ર સંપૂર્ણ થયા પછી રાત્રિયે રાત્રિયે ચંદ્રબિમ્બ અને ચંદ્રની કાન્તિ ક્ષીણ થયાં કરે છે, અને રાધાજીના મુખને આ ઉપમા આપી એ તો અપમાન કરવા જેવું થયું - તેમને એવો ક્ષય નથી.”

મલ્લરાજ – “અમારા સૂર્યવંશમાં એવાં રુસણાં ન શીખવવાં.”

મધુ૦ – “મહારાજ, રાણીજીનું શરીર ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલું છે અને રાણાજીને હાથ ઝાલ્યો ત્યારથી જ એ ચંદ્રવંશના બુદ્ધિવિલાસમાંથી આનંદ અને ભોગ લેવા આપે સ્વીકાર્યું છે.”

મલ્લરાજ – “એમ? ત્યારે હવે તેમ કરવું પડશે - પણ અમે સૂર્યવંશના જડ જેવા રાજાઓને એવી વાતો નહી આવડે !”

મધુ૦ – “મહારાજ, ચંદ્રવંશી રાણીઓમાં ચેતન એવું છે કે તેની દૃષ્ટિથી જ આપ જેવા સૂર્યવંશી ચંદ્રકાંતો સચેત અને રસિક થાય છે.”

મલરાજ – “એ વાત તો ખરી. પણ ક્‌હે, આજ માતાજીની સેવા મુકી તું અંહી ક્યાંથી આવી છે ?”

મધુ૦ - “માતાજીએ આપને કહાવેલું વિદિત કરવા આવી છું.”

મલ્લરાજ – “માતાજીની શી આજ્ઞા છે?”

મધુ૦ - “કાલ રાણીજી માતાજીને મન્દિર આવ્યાં હતાં તે પ્રસંગે માતાજીએ રૂપચેષ્ટાદિની પરીક્ષા કરી જાણી લીધું છે કે રાણીજીને હવે સીમંતિની દશા પ્રાપ્ત થઈ છે. અને તેનું પરિણામ પુત્રરત્નની પ્રાપ્તિ થાય. રાજજોશીએ પણ આવી જ ગણના કરી છે. માટે મહારાજ, આજથી તે જ્યાં સુધી ઈશ્વર આપે તે બાળક સ્તન્ય-


  1. ૧. પ્રીતિને કલહ