પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮

જીવને આ દશામાં નાંખે એ રત્નગરીના રાજકુટુંબના સત્પુરુષોની જગપ્રસિદ્ધ વત્સલતાને ઉચિત જ છે. મહારાજ, આપ જેવા વિરલ સજજનનું જ લક્ષણ કહેતાં કહેલું છે કે,

[૧]"मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा:।
"त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः॥
"परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् ।
"निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥

"મન, વાણી ને કર્મ ત્રણે સ્થાને પુણ્ય અમૃતથી ભરેલા,ઉપકારમાલાથી ત્રિભુવનને પ્રસન્ન કરતા, પરમાણુ જેટલા પારકા ગુણને પર્વતનું રૂપ આપી નિત્ય પોતાના હૃદયમાં વિકાસ પામનારા સજ્જન કેટલા છે? તો ક્‌હે વિરલા છે.”

“મહારાજ ! માતાજી આમાં આપના ઉપર કાંઈ ઉપકાર કરતાં નથી - જે ગર્ભરત્નમાં રત્નનગરીના ભાગ્યબીજનો સમાસ રહેલો છે તે રત્નની સંભાળ રાખવી એ તો રાજમાતાનું પ્રથમ કર્તવ્ય છે. મહારાજ ! આ રાજમંદિરમાં પગ મુકયા પછી તે આજ સુધી રાણીજી માતાજીની અહોનિશ ચિંતા રાખે છે, અને કલ્પવૃક્ષ તો ચિંતવેલી વસ્તુ આપે છે પણ માતાજી જેની ચિંતા સરખી કરતાં નથી તેની ચિંતાઓ કરી રાણીજી તો માતાજીની પાસે કલ્પવૃક્ષથી પણ અધિક કામ કરે છે તે સર્વ – સેવા ક્‌હો કે ઉપકાર ક્‌હો - માતાજીના હૃદયને સર્વ કાળ નદી પેઠે દ્રવતું રાખે છે તેની આ આંખો સાક્ષી છે. મહારાજ, રાણીજીને માટે માતાજી આજ જે ચિંતા કરે છે તે આજ નદીના શીતળ જળના શીકર[૨] પાછા નદીમાં પડે છે."

આવી વાર્તાઓને અંતે રાજાની આજ્ઞા લઈ મધુમક્ષિકા, રાજાને આનંદ-દંશ દેઈ, ગઈ. માતાજીની ચિંતાઓ અને આજ્ઞાઓ ઈશ્વરે સફલ કરી. ગર્ભ-સંસ્કારી પુત્રરત્ન મણિરાજ મલ્લરાજનાં મંદિરમાં રમવા લાગ્યો અને તેની અમૃત-ચિંતાઓનું મંગલચક્ર સ્ત્રીવર્ગને માથેથી ઉતરી પુરુષના શિરપર ફરવા લાગ્યું. માતાજી અને રાણીને મુક્ત કરી મલ્લરાજ એ નવા ભારનો [૩]ભારવાહી થયો. પોતાના હાથમાંથી રાજાના હાથમાં બાળકને આપવા પ્રસંગે માતાજીએ રાજાને મધુમક્ષિકામુખે સંદેશો ક્‌હાવ્યોઃ


  1. *ભર્તૃહરિ
  2. ૧. છાંટા.
  3. ૨. ભાર ઉચકનાર મજુર, હેલકરી.