પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦

તેનું હૃદય છિન્નભિન્ન થાય છે. મહારાજ, આ૫ પિતા છો અને આપની ઈચ્છાને અનુસરનાર કોઈ પ્રવીણ વત્સલ પુરુષ શોધી ક્‌હાડશો અને તે ઉભય મળી આ બાલકના માળી થજો. મહારાજ, પારકી મા જ કાન વીંધે માટે એ કામ ઉપર આવા અપર પુરુષને રાખજો અને તેનો અધિકાર પૂર્ણ નથી એવી કલ્પના પણ બાલકને થવા દેશો નહીં. પરંતુ માર્જારવર્ગમાં દેખીએ છીએ કે માતા જ બાલકને દાંત વચ્ચે રાખી શકે છે તેમ અન્યથી થવાનું નથી; માટે ગુરુની મુખ-વિદ્યામાં મુકેલા કોમળ બાલક ઉપર ભુલ્યે ચુક્યે ગુરુના દાંત બીડાઈ જાય અથવા બેસી જાય નહી એટલી વાત જાળવજો. તે ઈંડું સેવવા બેઠેલી પક્ષિણી માતાના જેવા જાગૃત રહી જાળવજો. રાજ-બાલકને ગુરુથી પણ ભય છે.”

“મહારાજ, આજ્ઞા ઉપાડવી એ વયમાં વધેલા અને બુદ્ધિમાં પહોંચેલા પુરુષોથી પણ બરોબર બનતું નથી તો તે ગહન સેવાધર્મ પુષ્પ જેવા બાલકથી બનશે એવી દુષ્ટ આશા આપ તો નહી જ રાખો પણ બાલકનો ગુરુ કે બીજું કોઈ પણ એ આશા સ્વપ્નમાં પણ રાખે એવી મૂર્ખતાના પ્રતીકાર સત્વર કરજો. મહારાજ, સાકરમાં સ્વાદ સંતાડી ઐૌષધ પાવાનો માર્ગ સઉને શીખવજો. બાલકને તો ઉત્સાહમાં રાખી જ કામ ક્‌હાડી લેવું.”

“મહારાજ, આપના બાલકને સાધારણ પુરુષો કે કિંકરોનો સહવાસી ન કરશો - અમે કર્યો નથી અને આપ પણ ન કરશો. પતિસુખની લુબ્ધ સ્ત્રીયો બાલકને વહેલું વીસારે છે અને બાલકને પોતાના હાથમાંથી દાસીઓના હાથમાં ફેંકી દે છે, અને એ દાસીઓની પાસે બાલક અનેક ગુપ્ત કુચેષ્ટાઓ શીખે છે. આ બાલકને માતાજી અથવા રાણીજીને મુકી ત્રીજા મનુષ્ય પાસે સુવાડેલું નથી, અને આપના વિશ્વાસનું પાત્ર હું વગર બીજા જોડે રાખેલું નથી, કે બ્હાર મોકલેલું નથી. મહારાજ, રાજ્યકાર્યના ગ્રસ્ત રાજાથી આટલું બધું તો બનવાનું નથી, પણ જે ગુરુના હાથમાં આ બાલક મુકો તે એ બાલકને ત્રીજાના હાથમાં જવા દે એવું કરશો નહીં. મહારાજ, ઈન્દ્રના બાલકને બૃહસ્પતિની સતત છાયામાં રાખજો, અને બીજું તો અમ સ્ત્રીઓ કરતાં આપ વધારે જાતે જ વિચારી જોજો.”

મધુમક્ષિકાના સોંપેલા રાજકુમારને રાજાએ પોતાની આંગળીયે