પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧

લીધો અને પ્રધાનને તેડવા મોકલી રાજા બાળકની સાથે ગોષ્ઠિવિનોદ કરી તેની પરીક્ષા કરવા લાગ્યોઃ

“કુમાર, હવે માતાજી વિના તમને ગમશે કે ?”

મણિરાજ – “માતાજી વિના તો નહીં ગમે, પણ આપને માતાજી વિના ર્‌હેવું પડે છે તેમ અમે પણ રહીશું.”

મધુ૦ – “મહારાજ, એ ઉત્તરમાં કાંઈ બાકી રાખ્યું નથી. આપ અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે, સર્વ ધર્મ જાળવી બાલકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે મ્હોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે.”

મલ્લરાજ – (પ્રસન્નમુખે બાલકનો હાથ ઝાલી) “અમારે તો રાજ્ય કરવું પડે છે – તમે શું કરશો ?”

મણિરાજ – આપ રાજ્ય કરો ત્યારે દેખાડી દેવાની કૃપા કરજો કે રાજ્ય આમ થાય. આપની સાથે રહીશું, આપ દેખાડશો તે દેખીશું, ને આપ ક્‌હેશો તે કરીશું.”

મધુ૦ – “મહારાજ, બાલકે તો રાજવિદ્યાનું માગણું માગી લીધું – તે આપવું એ હવે આપના અધિકારની વાત.”

બાલકે હાથ ઉંચો કરી દાસીનું મુખ ડાબ્યું.–“મધમાખ, અમે રાજાજી જોડે વાત કરીયે તેમાં વચ્ચે ગણગણવાનું તને કોણે કહ્યું છે? – ત્હારે અમારી વાતમાં બોલવું નહી.”

મધુમક્ષિકા નીચી વળી કુમારને છાતી સરસો ડાબવા લાગી ! અને તેમ કરતાં કરતાં એની અાંખમાં અાંસુ ભરાયાં. તેને ડાબતી ડાબતી છોડી દેતી તે બોલીઃ “ઘણું જીવો, કુમાર ! – મહારાજ ! પ્રભાતનો સૂર્ય ઉગતો ઉગતો તિમિરને આઘું ધકેલે તેમ આપની પાસે અાવતા ઉગતા રાજકુમાર, રાજવિદ્યાનો આરંભ કરતાં - પ્હેલાં આજથી જ, મુજ જેવાનો અધિકાર બંધ કરે છે ને ક્‌હે છે કે મ્હારી પાસે अबला प्रबला નહી થાય.”

મણિરાજ – “મધમાખ, હજી તું ગણગણતી ર્‌હેતી નથી ને કહ્યું કરતી નથી.”

મધુ૦ – “તે આપ મને શું કરશો ?”

મણિરાજ પિતાભણી જોઈ બોલ્યોઃ “મહારાજ, માતાજીએ કહ્યું છે કે અવળે રસ્તે ચાલે તેને રાજાજી શિક્ષા કરે માટે હવે આપ જાણો.”

મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?”