પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩


મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.”

મણિરાજ - “ ભુ…….લી....જા...ય ! બોલી દે - રાણીજી રોજ તને જુઠી કહે છે."

મધુ૦ – “એ તો એમનું જુઠું ખાઉં માટે જુઠી ક્‌હે છે.”

મણિરાજ – “વારું, બોલ તો ખરી !”

મધુ૦ – “ શું બોલું ? જરા સંભારી આપો તો બોલું.”

મણિરાજ – “પેલું - લાકડાના ઘોડાને ઠેકાણે ખરો ઘોડો ને એવું બધું.”

મધુમક્ષિકા હસવા લાગી. – “હા, હા, મહારાજ, કુમારને આપની પાસે બોલી કરી આણેલા છે.”

મણિરાજ – “તે બોલી શી તે ક્‌હે ને ?”

જરાશંકર એટલામાં આવ્યો અને પાસે બેઠો. કુમારને ખોળામાં લીધો.

જરાશંકર – “મહારાજ, કુમારશ્રીને શું પુછવા માંડ્યું છે ?”

મલ્લરાજ – “કુમાર આજથી માતાજીનું મન્દિર છોડી આપણી પાસે આવ્યા છે તે બોલી કરીને આવ્યા છે.”

જરાશંકર – “હે કુમાર ! શી બોલી કરી છે ?”

મણિરાજ – “આજથી મ્હારા લાકડાના ઘોડાને ઠેકાણે હવે મને ખરો ઘોડો આપવાનો.”

જ૨ાશંકર – “બીજું કાંઈ ?”

મણિરાજ – “હવે મ્હારે રમવાનું મુકી દેઈ ઘોડે ચ્હડવાનું, પટા રમતાં શીખવાનું, ને બઈરાંને મુકી મહારાજની અને પ્રધાનજીની સાથે ફરવાનું ને દરબાર ભરાય તેમાં આવવાનું.” .

જરાશંકર – “કેમ મધુમક્ષિકા, આવી બોલી કરી છે ?”

મધુ૦ - “હ! જી.”

મણિરાજ – “હવે હું મહારાજની સાથે જમવાનો.”

જરાશંકર – “એમાં તો મહારાજની આજ્ઞા જોઈએ.”

મણિરાજ – “તે તમે અપાવો કે મધમાખ અપાવે. હું નહીં માગું.”

જરાશંકર – “પિતાજીની પાસે તો માગવી પડે.”

મણિરાજ – “માતાજીએ કહ્યું છે કે ક્ષત્રિયો માગે નહીં.”

જરાશંકર – “ત્યારે જોઈતું હોય તે શી રીતે મેળવે ?”

મણિરાજ – “જાતે મેળવે, બળે મેળવે, તરવાર વડે મેળવે.”