પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪


જરાશંકર – “ત્યારે – આપ પણ તેમ મેળવો.”

મણિરાજ – “મેં બોલી કરી છે તે મધમાખ નહી અપાવે તો એના ઉપર રીસાઈશ એટલે એ એની મેળે અપાવશે.”

મધુ૦ – “કુમાર, મ્હારે તો આપની પાસેથી હવે જવાનું.”

મણિરાજ – “જાય ક્યાં? બોલી પાળ્યા વગર જાય તો બારણા વચ્ચે ઉભો રહી રોકું.”

જરાશંકર – “કુમાર, હવે તમારી બોલી મહારાજ પાળશે.”

મણિરાજ – “મહારાજ આપને આજ્ઞા કરે તો બોલી પળાઈ સમજું.”

જરાશંકર – “તે આજ્ઞા કરી જ સમજો.”

મણિરાજે મલ્લરાજ સામું જોયું. મલ્લરાજને હસવું આવ્યું.

મણિરાજ – “રાણીજીએ કહ્યું છે કે આપની આજ્ઞા વગર કોઈથી ચલાય નહીં ને પ્રધાનજી આમ કેમ પોતાની મેળે કહે છે?”

મલ્લરાજ – “એમને જ પુછો.”

જરાશંકર – “કુમાર, મહારાજ પ્રસન્ન થાય ત્યારે એમની આજ્ઞા થઈ સમજવી.”

મણિરાજ – “ત્યારે અમે પણ એમને પ્રસન્ન જ કરીશું એટલે અમારી મરજી પ્રમાણે થશે.”

જરાશંકર – “એમ જ.”

મધુ૦ – “મહારાજ, કુમાર સોંપી હું હવે રજા લેઉં છું.”

મણિરાજ – “મધમાખ, માતાજીએ કહ્યું છે કે રાજાએ અને કુમારોએ સેવકોની ચાકરી જાણવી. માટે ઉભી ર્‌હે.”

સઉ જોઈ રહ્યાં.

મણિરાજ - “મહારાજ, આપની આજ્ઞા હોય તો મ્હારાં રમકડાં મધમાખના દીકરાને આપવાનાં છે તે હું માતાજીને મન્દિર જઈને એને આપું.”

મલ્લરાજ પુત્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયો અને તેને ખોળામાં લેઈ બોલ્યો, “કુમાર, માતાજીએ જે જે કહ્યું છે તે સરત રાખજો ને એમને મન્દિરે જઈ મધમાખને ખુશી કરો. મધુમક્ષિકા, કુમારને વાસ્તે યોગ્ય વ્યવસ્થા કરતા સુધી માતાજીની પાસે જ થોડા દિવસ રાખજે ને હું બોલાવું એટલે લાવજે.”

મણિરાજ - “મહારાજ, હું હવે રમકડાં રમવાનો નહીં.”