પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫


મલ્લરાજ હસીને બોલ્યો: “ ના, કુમાર, નહી. હવે તમારે બેસવાને ઘોડો ને રમવાને પટા ને બાણ આવશે - પ્રધાનજી સત્વર. મોકલાવશે.”

મણિરાજ – “તે શીખવશે કોણ ?"

મલ્લરાજ – “તે પણ આવશે.”

મણિરાજ – “મને આપ ક્યારે બોલાવશો ?”

મલ્લરાજ – “ સાંજે કીલો જોવા લેઈ જઈશું.”

મણિરાજ – “હા ! મધમાખ, હવે ચાલ ને ઘેર જઈ ત્હારા દીકરાને લાવ તે હું તેને રમકડાં આપી દેઉં.”

મધુ૦ – “તે મને આપજો એટલે હું એને આપીશ.”'

મણિરાજ – “ના. તું તો ઘરમાં રાખી મુકે ને ત્હારા દીકરાને આપે નહીં. એ તો હું જ એને આપીશ તે મ્હારી પાસે લાવજે, ને જો પાછાં એની પાસેથી ખુંચી લીધાં તો જોજે ત્હારી વલે.”

મધુ૦ – “એમ કરજો. ચાલો હવે મહારાજની રજા લેઈયે.”

મણિરાજે એનું મ્હોં ફરી ડાબ્યું.

મધુમક્ષિકા કુમારનો હાથ ખસેડતી બોલીઃ “કેમ મ્હોં ડાબો છો ? – જવાની ઈચ્છા નથી ?”

મણિરાજ – “અંહી ઉભી રહે. મહારાજ જશે ત્યારે જઈશું.”

મધુ૦ – “ત્યાં સુધી શું કરીશું ? મહારાજને હવે કામ હશે.”

મણિરાજ – “મહારાજ પ્રધાનજી જોડે બોલશે તે સાંભળીશું.”

મધુ૦ – “મહારાજની ખાનગી વાતો આપણાથી સંભળાય નહી.”

મણિરાજ–“ ત્યારે રજા લે.”

આટલી વાર રાજાપ્રધાન પરસ્પર વાતોમાં ભળ્યા હતા તેને મધુમક્ષિકા ક્‌હેવા લાગી:

“મહારાજ, હું ત્યારે આજ્ઞા માગું છું ને કુમારને સાથે લેઈ જાઉ છું – પણ જતાં જતાં માતાજીના સંદેશા ઉપરાંત હું રંક કાંઈ વિજ્ઞપ્તિ મ્હારા ભણીથી કરું તે સાંભળવી જોઈએ.”

મલ્લરાજ – “બોલ.”

મધુ૦ - “મહારાજ ! સામાન્ય મનુષ્યોને પણ પુત્ર રત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઈ નવાઈ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે ક્‌હેવડાવે છે કે –