પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭

વિકાસ પામે છે. આવી જ રીતે, હે ભૂપ, આ આપના બાળકની ચેષ્ટા સમજવી. એ બાળકનો આત્મા બાળક નથી – મહારાજ, આપનો અને તેનો આત્મા એક જ છે અને એ આત્માનું ઓજસ આપની પાસેથી ન્યગ્રોધની શાખાઓ પેઠે આ બાળક દેહમાં આવેલું છે. બીજમાં રહેલા આત્માનું બળ શાખાઓમાં, પુષ્પોમાં, સુગંધમાં અને ફળોમાં સ્ફુરી મનુષ્યમાં આવે છે; તેમ આ બાળકમાં રહેલું ઓજસ્ જગતની વૃદ્ધિ કરવાને અને આપની અખિલ પ્રજામાં સ્કુરવાને યોગ્ય છે અને આપના રાજવંશનું અને એનું પોતાનું સર્વ સત્વ આ ઓજસ્‌માં સમૃદ્ધ થયેલું છે – જેવી રીતે વૃક્ષની તેમ પોતાની સત્વસમૃદ્ધિ પુષ્પાદિમાં સ્કુરે છે. મહારાજ, આ બીજને, આ શિશુને, આ ઓજસ્‌ને, તેમની કાચી અવસ્થામાંથી સિદ્ધ કરવાં – પકવવાં એ આત્મવાનનો ધર્મ છે. બ્રાહ્મણે પોતાના અને શિષ્યમાત્રના દેહમાંથી ઉભયના એક બ્રહ્માત્માને છુટો કરી વિશ્વરૂપમાં સિદ્ધ કરે છે તેમ રાજપિતા પોતાના અને પોતાના રાજકુમારના દેહમાંથી ઉભયના એક જ રાજાત્માને છુટો કરી રાજ્યદેહના આત્મા સાથે એકરૂપ કરે તો રાજાત્મા સિદ્ધ થાય. એ સિદ્ધિ આપ જેવા મહાશય આત્મજ્ઞ આત્મવાન્ રાજાઓ કરી શકે એમ છે. માટે તે રીતે પ્રયત્ન કરશે એવી હું રંકની આપને વિજ્ઞપ્તિ છે. મહારાજ, આ શિશુબીજમાં રહેલો તરુરાજ હું સ્પષ્ટ જોઈ શકું છું – એ તરુરાજ : પ્રકટ સિદ્ધ કરવો એમાં આપના આત્મોજસ્‌ની એક સિદ્ધિ છે. મહારાજ, હું બહુ બોલું છું – તે આ મહાન બીજના ઓજસ્ ઉપરની મ્હારી પ્રીતિ બોલાવે છે તેથી બોલું છું. બાકી આપની પાસે આટલું બોલવા જેટલી હું રંકમાં ધૃષ્ટતા નથી. મહારાજ, હું બાળકને લેઈ માતાજીને મંદિર જવાની આજ્ઞા માગું છું.”

મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઈ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે, મલ્લરાજ ઉત્તર આપે તે પ્હેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠયો.

“મધમાખ, ગણગણી રહી ?”

મધુ૦ - “હા. આપને કાંઈ ક્‌હેવું છે?”

મણિરાજ – "એક બોલી તું કરે તે વગર હું આવવાનો નથી.”

મધુ૦ – “શી બોલી ?”