પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨

આવવું પડે, તેમ સામાની રાજનીતિ સમજવાનું સાધન તેમની ભાષા તે જાણતાં જાણ્યે અજાણ્યે તેનો ચેપ ના વળગે તો તેટલું જોખમ વ્હોરવું એ નય-યુદ્ધને અંગે લાગેલું છે. યુદ્ધમાં જાય તે જીતે કે હારે કે મરે કે ઘવાય. જરાશંકર, વિચાર સંપૂર્ણ થયો ને હવે આજ્ઞા થઈ સમજ. કુમારને પરભાષાનાં શસ્ત્રાસ્ત્ર સમજાવવાં છે. મ્હારા અર્જુનનો દ્રોણાચાર્ય શોધી ક્‌હાડ.”

જરાશંકર – “મહારાજની આજ્ઞા થઈ તો તે પાર ઉતારવી એ મ્હારું કામ છે. પણ ઈંગ્રેજી વિદ્યા શીખવવા દ્રોણાચાર્ય બ્રાહ્મણને શોધવા જવામાં - વાંઝણીનો પુત્ર શોધવા જેવું છે.”

મલ્લરાજ હસ્યો. “જરાશંકર, રોતો જાય તે મુવાના સમાચાર લાવે. ત્હારા અભિપ્રાય વિરુદ્ધ આજ્ઞા થાય એટલે તે કેમ પાળવી તે તને સુઝવાનું નહીં.”

જરાશંકર – “મહારાજ, એ આરોપથી મને ખેદ થાય છે. પણ મ્લેચ્છવિદ્યાનો ગુરુ આપણાં શાસ્ત્રનો સંસ્કારી હોય એમ ધારી તેને શોધવાની આજ્ઞા આપો છો પણ તે અસાધ્ય છે તે આપ સ્વીકારશો.”

મલ્લરાજ – "કૌરવના દ્રોણાચાર્ય, તેની પાસેથી પાણ્ડુપુત્ર શસ્ત્રવિદ્યા ભણ્યો, એ જ, રીતને શોધ કરતાં મ્હારા પ્રધાનને આવડવું જોઈએ.”

જરાશંકર – “સત્ય છે, મહારાજ, આપનું હાર્દ ઉત્તમ છે; પણ . શત્રુની વિદ્યાને રસિકજન આ રાજ્યમાં અસ્થાને પદ પામશે. રાજકુમારની કોમળ અવસ્થામાં – તેના ઉગતા પ્રભાતકાળે - દૂર દેશની પરવિદ્યાનો આભાસ આ બાળ–કમળને પોતાના રંગથી રંગે એ આપને ઈષ્ટ હોય તો ઈચ્છા. દ્રોણાચાર્યની વિદ્યા ચોરી લેવા અર્જુનનું વય હતું, દ્રોણાચાર્યને અર્જુનના મનનો પરાભવ કરવાનો અવકાશ ન હતો. મહારાજ, મણિરાજ, કેવળ બાળક છે અને સીતાજીને સોનાના મૃગની રઢ લાગી હતી તેમ આપ રાજા છો અને રાજરઢ પણ દુસ્તર છે.”

મલ્લરાજ - “જરાશંકર, જે સ્વતંત્રતાથી તું ત્હારા રાજાને અટકાવે છે તેથી, અને જે વચન બોલી મ્હારા ઉપર આ આક્ષેપ કરે છે તે વચન સાંભળી, મને આજ આનંદ થાય છે. હું ત્હારા ઉપર પ્રસન્ન છું – મરજી પડે તે માગ.”

જરાશકર – “મહારાજ, સિંહ પોતાના દાંતનો ભંગ થવા દેતા