પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪

જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”

મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”

જરાશંકરને બે રીતનો સંતોષ થયો. વિદ્યાચતુંરનું અને મણિરાજનું કલ્યાણ થાય ને મલ્લરાજની આજ્ઞા સિદ્ધ થાય - એ સર્વ સાધવાનું આ એક જ સાધન.

જરાશંકર – “જેવી મહારાજની કૃપા, મહારાજ, આનું નામ તે આપની આજ્ઞા માનવી ક્‌હેવાય કે આપની કૃપા સ્વીકારવી ક્‌હેવાય તે મને સુઝતું નથી. પણ આપની આજ્ઞાના પાલનમાં હું શિથિલ ન રહું એટલા માટે આ કૃપા કરી હોય તો આપની કૃપા પાછી ખેંચી લ્યો અને કૃપા વિનાની આજ્ઞા હું કેમ પાળું છું તે વીશે સેવકની પરીક્ષા કરો.”

મલ્લરાજ - “રાજાની અને શાસ્ત્રની આજ્ઞા થઈ એટલે તર્કવિતર્ક ન કરવા એવું શાસ્ત્રવચન, તું પાળતો નથી.”

“બહુ સારું મહારાજ.” જરાશંકર ગયો.

માણસની પાછળ માણસ તૈયાર રાખવું એ રાજાનો એક આવશ્યક ધર્મ છે. જરાશંકર પાછળ બીજો પ્રધાન તૈયાર જોઈએ. જે કારણથી મણિરાજને ઈંગ્રેજી ભણાવું છું તે જ કારણથી હવે પછીના પ્રધાનો પણ ઈંગ્રેજી ભણેલા જોઈએ. જરાશંકરની વિદ્યા, એના અનુભવ, અને જો એની બુદ્ધિ – દુધમાં સાકર ભેળીયે તેમ – એનો ભાણેજમાં ભેળીશું તો ભળશે - પરભારામાં નહી ભળે. વિદ્યાચતુર ઈંગ્રેજી ને સંસ્કૃત ભણેલો છે તે જરાશંકર જેવો ગણેલો થતાં વાર નહીં લાગે. જુના દિવસ જાય છે ને નવા આવે છે, તેના આ સંધિમાં એવો માણસ જોઈએ કે જતા દિવસની નોંધ રાખે ને આવતાને ઝીલી લે, હું, જરાશંકર અને વિદ્યાચતુર - ત્રણ જણ મળી એ કામ કરીશું. અમે ત્રણ જણ મળી જે સડક પાડીયે એ સડક ઉપર મણિરાજ ઘોડાની રવાલથી ચાલ્યો જાય ને અમારા કરતાં સવાઈ બુદ્ધિ ચલાવે એટલું હવે આમાં કરવાનું છે.” આવા વિચારો કરતાં કરતાં મલ્લરાજ પોતાના નિત્યકાર્યમાં ભળ્યો.