પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
પ્રકરણ ૧૧.

પરરાજ્યનો પ્રથમ વમળ.

મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગૃત ર્‌હેવા લાગ્યો. મધુમક્ષિકા દ્વારા આપેલો ઉપદેશ રાજાએ સંપૂર્ણ રીતે પાળ્યો. વિદ્યાચતુરને કુમારના શિક્ષણમાં પૂર્ણ સ્વતંત્રતા આપી અને તે સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેટલું ખંતથી જોવા લાગ્યો.

આ પ્રમાણે કેટલોક કાળ વીતતાં એક દિવસ વિદ્યાચતુર અને કુમારને લેઈ રાજા સુંદરગિરિના શિખર ઉપર ગયો. ત્યાં પોતાનો તંબુ નંખાવી પાસે એક સુનેરી ગાદી નંખાવી રાજા બેઠો બેઠો સામેના સમુદ્ર ભણી દૃષ્ટિ કરી રહ્યો છે. મુછો ઉપર આમળા નાંખે છે, એટલામાં થોડેક છેટે પર્વતના પટ આગળ વિદ્યાચતુરની આંગળીએ વળગી કુમાર ઉભો અને જમણો હાથ અને તેની તર્જની લાંબી કરી ગુરુને પુછવા લાગ્યો.

“ચતુરજી, આ સામે દરિયો કેટલો હશે ?”

“કુમાર, તમે ભરતખંડનો નકશો જોયો છે તેમાં આ પાસથી પેલી પાસ દરીયા સુધી જેટલી જમીન છે તેથી બમણો હશે.”

“તેના પછી શું હશે ?”

“આપણા જેવી જમીન.”

“તેમાં માણસો હશે ?”

"હા.”

“તે પછી શું આવે?”

“ પાછો દરીયો.”

“ તે પછી શું ?”

“પાછી જમીન.”

“તેમાં પણ માણસો હશે ?”

“ હા."

“ તે કેવાં હશે ? ”

“આ સાહેબ લોક આવે છે તે ત્યાંના.”