પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭

તેમની પાસે નિત્ય તમારે ઈંગ્રેજની કથા વાંચવી. જેમ હાલમાં અમે આપણાં રામાયણ, મહાભારત અને અમારા પૂર્વજોના રાસા વંચાવીયે છીયે તેમ તમારે મરજી પડે તેટલા પઈસા ખરચી પુસ્તકો મંગાવવાં અને તેમાંથી ઈંગ્રેજો વાનર હતા ત્યાંથી તે આજસુધીની એમની કથા વાંચવી. તેમ જ ફરાંસીસવાળા, રસદેશવાળા, વલંદાવાળા, ફરંગીયો, મુસલમાનો, અને એવા એવા અનેક લોકની અને તેમાં મુખ્ય કરીને આ ગોરા લોકની આજકાલની અવસ્થા જણાય એવી કથાઓ વાંચવી. એ લોકનાં યુદ્ધોનાં વર્ણન, એમનાં સામ દામ અને ભેદની કળાઓ, એમની રાજનીતિ, એ લોક કીયે કીયે દેશ જાય છે ને શું કરે છે, જે એમના શત્રુ કોણ છે ને મિત્ર કોણ છે, તેમાં કોનું ચાલે છે ને કોનું નથી ચાલતું એમની પ્રજા કેવી છે - સુખી છે કે દુઃખી, યુદ્ધ–કાળને વાસ્તે એ લોક તોપખાનાં કેમ બનાવે છે; શાંતિકાળને માટે એમની પ્રજામાંના અસંતોષી જીવોને સારુ કેવા ધંધા ઉભા કરે છે, એમના ક્ષત્રિયો, બ્રાહ્મણે, અને વૈશ્યો કેવા છે, વગેરે સર્વ વાતોમાં એ સર્વ લોકનાં મર્મસ્થાન તમારે જાણવાં, એમની કળાઓનાં રહસ્ય ચોરવાં, અને એમની બુદ્ધિના તેમ બીજા કીલ્લાઓની રચના શીખવી. વિદ્યાચતુર, એ સઉ શીખી, જાણી, ચોરી, તમે તેને અમારી પાસે આપણી બોલીમાં સમજાવો અને કાળે કરીને આ મ્હારા રાજ્યની આશાના બીજને એ સર્વ વિદ્યામાંથી શી શી પ્રાપ્ત કરાવવી તે હું તમને કહું તે પ્રમાણે ઈંગ્રેજી ભાષાદ્વારા પ્રાપ્ત કરાવો.”

“ વિદ્યાચતુર, આ કુમારને ઈંગ્રેજની તેમ આપણી ક્ષાત્રવિદ્યા પણ તેનું વય થતાં શીખવવાની છે તે કામ તમારાથી નહી બને, પણ જેના હાથમાં એને મુકીયે તેની પાસેથી - દેશી પાસેથી કે પરદેશી પાસેથી-મિત્ર પાસેથી કે શત્રુ પાસેથી – તરવાર જેવાં શાસ્ત્ર તેમ તોપ જેવાં અસ્ત્ર, એક શૂર સાથે કરવાની કુસ્તી તેમ અનેક પુરુષોની બનેલી સેનાને માથે રહી સામે એવી જ સેનાઓ કરવાની સેનાધિપતિની વિદ્યા - એવી એવી જે હવેના કાળમાં નિરર્થક લાગશે એવી સર્વ કળાઓ, આ કુમાર અને મ્હારા રજપુતો શીખે તેમ મ્હારે કરવું છે ને અગ્નિહોત્રીનો અગ્નિ અખંડ સચેત ર્‌હે તેમ આ કળાઓ મ્હારે રાખવી છે. એ મહાકાર્ય ઈંગ્રેજની મદદ વિના નહી બને એ હું જાણું છું; ઈંગ્રેજની સાથે રહી તેમને અને આપણે બેનો સ્વાર્થ એક છે તે હું કોઈ વખત તમને સમજાવીશ અને શાણા