પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૯

સાંકળ રચો; અને આ દેશમાં કોઈ કાળે યુદ્ધનાં વાજાં વાગે તો શાલિવાહને માટીનાં પુતળાંની સેના ઉભી કરી હતી તેમ પ્રીતિની ચીકાશથી મ્હારા રાજ્યના ક્ષત્રિય – પુતળાંઓ બંધાઈ રહેલાં હશે તો તેમાં તેમના પૂર્વજો ધુણી ઉઠશે - માટે એવી ચીકાશથી આ માટીને ઘડજો. ઈંગ્રેજોને આજ અમારા ભાયાતોની ગરજ નથી પણ એવો યુગ આવશે કે એમના રાજ્ય ઉપર ચાર પાસના પાડોશીયો તેજ-દ્વેષથી ઘેરો ઘાલશે. વિદ્યાચતુર, તેવે કાળે એમની વસ્તી બ્રાહ્મણ–વૈશ્ય થઈ ગઈ હશે તે એમને કામ નહીં લાગે. અને એ એકલા પડશે. તે પ્રસંગે આ મ્હારાં પુતળાંમાં જીવ આવશે તો ઈંગ્રેજને મીઠો લાગશે અને એ પુતળાંને કામ લણાડી મલ્લરાજની દીર્ધદ્રષ્ટિને સંભારશે. વિદ્યાચતુર, ઈંગ્રેજો ઉઘાડી આંખે જોશે ત્યારે રજવાડાનું મૂલ્ય સમજશે ને તેનો ભાવ વધારશે, એને રાજાઓ સમજશે ત્યારે ઈંગ્રેજનો ભાવ વધશે પણ એ બે જણ સમજે ત્યાં સુધી આ ભાઈઓનો ભાવ વધવાનો નથી. જ્યાં સુધી એ સમજણનો યુગ આવે નહી ત્યાં સુધી સર્વને દુ:ખ છે, અને ત્યાંસુધી ધૈર્ય રાખી મ્હારાં આ ઝાડ ઉછેરવાં એ મ્હારા પુત્રને શીખવજો.”

"સરત રાખજો કે રત્નગરીના રાજાઓ એકપત્નીવ્રત પાળે છે અને તેમને પુત્રો હતા નથી તો તેમના ભાઈઓ તેમની ગાદીએ ચ્હડે છે. માટે મ્હારા ભાઈઓ અને તેમના વારસોમાં આ રાજ્યના ભાવી રાજાઓનાં બીજ છે અને તેથી પણ તેમનાં મનની સંભાળ મ્હારા કુમારના ગુરુએ લેવાની છે.”

“વિદ્યાચતુર, અમારાં ક્ષત્રિય રાજ્યોના ક્ષત્રિયો પોતાની જાત મુકી મ્હોટા ખેડુત બને, રજપુત ક્‌હેવાતા મટી જમીનદાર અને તાલુકદારનું નામ પામે તેવા કાળમાં પણ અમારાં રાજકુળનાં ઘરોમાં એટલું અગ્નિહોત્ર નિરંતર પળાય એવા ધર્મનું બીજ આમ રોપવાનો મ્હારો આગ્રહ–”

આ અસિદ્ધ થવા નિર્મેલું વાક્ય પૂર્ણ થતા પ્હેલાં જરાશંકરનો પત્ર લેઈ ઉતાવળો ઉતાવળો રાજદૂત આવ્યો, અને મનનો સંકલ્પ મુખમાં જ ર્‌હેવા દેઈ રાજા પ્રધાનનો પત્ર ફાડી વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં તેની ભ્રુકુટિ બે ચાર વાર ચ્હડી ગઈ અને બે ચાર વાર શીત આવ્યાં હોય તેમ તે પાછો શીતળ થઈ ગયો. પત્ર વાંચી મલ્લરાજ એકદમ ઉભો થયો અને પર્વતતટ આગળ જઈ ઉભો ઉભો બાંહ્યો ચ્હડાવતો મનમાં બોલવા લાગ્યો.