પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦

“વાનરસેનામાંથી હનુમાન આવ્યો !” જરાશંકરનો પત્ર લેઈ તેમાંથી ચાર પાંચ લીટીયો વાંચવા લાગ્યો: '

“નાગરાજમહારાજની સાથે સંધિકાળે થયેલા કરાર પ્રમાણે સંસ્થાનોના વિરોધપ્રસંગે તેમના પંચનું કામ કરવાનો ઈંગ્રેજ સરકારને અધિકાર છે, તે અધિકારને પ્રમાણી સરકારે પોતાને વકીલ નીમવાનું નક્કી કર્યું છે. તે વકીલ એમનો પોલીટીકલ એજંટ અથવા રેસીડેંટ કહેવાશે, ચાર પાંચ સંસ્થાનો વચ્ચે પોતાનો નિવાસ રાખશે, પોતાના નિવાસમાં પોતાનો અધિકાર રાખશે, અને રાજાઓના પંચનું અને દેશની શાન્તિ જાળવવાનું, કામ કરશે. સુવર્ણપુર, રન્નનગરી વગેરે અનેક રાજ્યોના પંચનું કામ કરવા સરકારનો મુખ્ય વકીલ મરાલપાટણમાં રહેશે અને તેના તાબામાં થાણાંઓ થશે અને તેમાં એક થાણું લીલાપુરમાં રહેશે ત્યાં મુખ્ય વકીલના હાથનીચે રહી એક એજંટ કામ કરશે.” પત્ર પાછો મલ્લરાજે બંધ કર્યો.

“વડીલ મહારાજના સંધિકાળે મ્હારા મનમાં જે શંકા હતી તે ખરી પડવા કાળ આવ્યો. વાનરપ્રજાનો હનુમાન આવ્યો - તે હવે હુપાહુપ કરશે અને અમારી સોનાની લંકામાં ઠેકાણે ઠેકાણે આગ લગાડશે. – હવે આપણે રાક્ષસો, અને એ વાનરા. આપણે કરીશું તે અધર્મ – એ કરશે તે ધર્મ.” – “સરકારના સંધિરૂપથી બીજ પૃથ્વીમાં ડટાયું હતું તેમાંથી ફણગો ફુટી આજ પૃથ્વી ફોડી બહાર નીકળ્યો. આ રેસીડેંટ–વકીલ–તે આ ફણગો !”

“આ આતશબાજીના દારુખાનાનું ઝાડ ! - હવે એનો કાંઈ ઉપાય?”

વીજળીનો ચમકારો થાય એટલી ત્વરાથી રાજાના મનમાં આ વિચારોના ચમકારા થઈ ગયા. તે ઓઠથી ઓઠ કરડવા લાગ્યો. તેના હાથ તરવારની મુઠ ઉપર આવજા કરવા લાગ્યા.

“ કુમારને વીલાયત જીતવાનું મન થયું ત્યાં શકુનમાં આપણો દેશ વીલાયતવાળાએ જીત્યો ! આપણાં રાજ્ય, રાજ્ય મટી, સંસ્થાન થયાં ! જે રેલની બીક લાગતી હતી તે દૃષ્ટિ આગળ આવી –” તરવાર ભણી દૃષ્ટિ કરી - “મ્હારી પ્રિય તરવાર! ત્હારું પાણી હવે ઉતરી ગયું ! હવે રજપુતોએ લાકડી ઝાલવી ! ”

મનના વિચાર પડતા મુકી વિદ્યાચતુરને રાજા ક્‌હેવા લાગ્યોઃ “વિદ્યાચતુર, એકદમ આ સુખ મુકી રત્નગરી જવાની તૈયારી કરો. મ્હારે મ્હારા પ્રધાન સાથે મહાવિચાર કરવાનો મહાપ્રસંગ આવ્યો.”