પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧

રાજાની આજ્ઞા પળાઈ બીજે દિવસે જ રાજા પોતાના મ્હેલમાં પહોંચ્યો, અને એકદમ પ્રધાનને તેડવા માણસ મોકલ્યું. પ્રધાન આવતાં રાજા બોલી ઉઠ્યો:

જરાશંકર, એકદમ બ્રેવ સાહેબને લખાવ કે અમારે તમારા એજંટ બેજંટનું કાંઈ કામ નથી. એને પાછો બોલાવી લ્યો – નીકર નીક૨-

“યુદ્ધ થશે ! - એમ લખાવું, મહારાજ ?” જરાશંકર હસીને બોલ્યો.

“નહી – નહી – હસવાનો કાળ નથી. નાગરાજના સંધિમાં એજંટનો અક્ષર પણ નથી.”

“પણ પણ સરકાર ધારે છે કે અક્ષર તો શું પણ વાક્ય છે.”

"ક્યાં છે."

“નથી તો અક્ષર પણ નથી. પણ તરવાર દેખાડી સરકાર ક્‌હેછે કે એ અક્ષર છે એવું સ્વીકારો – નીકર આ અમારી તરવાર એ અક્ષર દેખાડનારી ઉભી છે.”

“તો શું એ તરવાર એમની ખરી અને અમારી આ તરવાર નહી?"

“મહારાજ, ક્ષોભ મુકી ધીરે રહી તરવારને જ પુછો ને ?”

“ત્યારે શું આપણે તેમના બંધાયલા ?”

“આપણે છુટા, પણ આપણી તરવાર એવી બંધાયેલી છે કે ઉઘડે નહી."

મહારાજ આ સાંભળી ઉશ્કેરાયો. તેનાં નેત્રમાં લોહી ભરાઈ આવ્યું. યુદ્ધના રસિક રાજાને વીરરસનો ઉન્માદ ચ્હડ્યો. તેણે એકદમ મ્યાનમાંથી બ્હાર ક્‌હાડી તરવાર ઉંચી કરી અને મદારી સાપને વીંઝે તેમ તરવારને આકાશમાં અફાળવા લાગ્યો, અને જાતે બે હાથ ઉંચો કુદી ફાળ ભરી દરવાજા આગળ ઉભો રહી ત્રાડ નાંખવા લાગ્યો.

“સામંત! સામંત ! એકદમ સેના લઈ આવ? સેના લાવ ! – કોણ છે રે ! સેના લાવો ! – સેના !”–

જરાશંકર કંઈક ગભરાયો, મ્હેલમાંની સર્વ વસ્તી ભેગી થઈ ગઈ અને રાજા કોઈને પણ જોતો ન હોય તેમ “ સેના ! સામંત ! સેના !” એમ ફાટી બુમો પાડવા લાગ્યો, અને બુમો પાડતાં પાડતાં પૃથ્વીને લાત મારી ગાજી બોલ્યો: “સામંત, મ્હારી તરવાર બંધ છે એમ ક્‌હેનાર તે કોણ?”