પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪

વાળ, મ્હારા રાજયનો સ્તંભ, તું જ મ્હારી સેના - તને શિક્ષા કરું તો મને જ થાય.”

“મહારાજ, એ સેના અને એ સ્તંભ હવે આપને આંગણે હાથી પેઠે માત્ર ખરચના ખાડા છે – એ હાથીને છુટા મુકશો તો આપની પ્રજાને કચરશે અને બાંધી રાખશે તો આપના ભંડાર ખાલી કરી દેશે. મહારાજ, અમને તે હવે શું કરશો?” - સામંતે દીર્ઘ નિ:શ્વાસ મુક્યો, અને એ નિઃશ્વાસનું કારણ થઈ પડેલી રાજનીતિના કારણરૂપ જરાશંકર ભણી વાંકી અાંખે જોવા લાગ્યો, જરાશંકરે તે દીઠું ન દીઠું કર્યું, અને રાજા અને તેના ભાઈના વાદનો પ્રવાહ નિર્વિઘ્ન, ચાલવા દેવા મૌન ધાર્યું.

મલ્લરાજ – “સામંત, તે વાતનો હાલ પ્રસંગ નથી. આ સરકારના એજંટની વાતમાં આપણી તરવાર છુટી કે ઉઘાડી છે તે બોલ. એ બોલવાનો અધિકાર ત્હારો છે.”

સામંતે શૂન્ય હાસ્ય કર્યું: “મહારાજ, સર્વ વાત કાળે શોભે અને કાળે ફળે. તરવારનો કાળ ગયો. હવે તરવાર ઉઘાડવી તે અકાળે યમનું ઘર પુછવા જેવું છે – સામળદાસનું વચન છે કે,

“ સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વ્હાણ,
“ ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ !

“મહારાજ, બ્રાહ્મણની બુદ્ધિએ ચાલતાં હાથમાં આવેલો અવસર ગયો ને રજપુતાઈના પ્રાણ ગયા તે બેમાંથી એક પણ પાછું આવે એમ નથી. એ ગયેલો અવસર અને ગયેલો પ્રાણ આણતાં જરાશંકર ભટને આવડતું હોય તો એ જાણે – બાકી મને તો આજ્ઞા આપો તો એક વાત આવડે તે એ કે આ ભટને ધુળભેગો કરી એણે વાળેલા સત્યાનાશનો બદલો આપું અને–”

જરાશંકર સ્થિર દ્રષ્ટિથી રાજાના સામું જોઈ રહ્યો. રાજાનો ક્રોધ હાથમાં રહ્યો નહી. ક્રોધની પરિસીમાને કાળે સિંહ ગાજવું મુકી દેઈ પંઝાનો ભાર દેખાડે તેમ રાજાએ કર્યું. પોતાનું અપમાન થતાં જેણે સામંતને ભાઈ ગણી અત્યંત ક્ષમા ધારી હતી અને પ્રીતિનો પ્રવાહ રેલાવ્યો હતો તે રાજાએ પ્રધાનના શત્રુને ઉગતો ડાબ્યો. રાજાની ભ્રમર ચ્હડી ગઈ અને સામંતના મુખમાંથી વચન નીકળતાં મલ્લરાજે બન્ધુસ્વરૂપ ત્યજી દઈ ગંભીર રાજ–સ્વરૂપ ધાર્યું અને સ્થિર સ્વરે સંબંધ ન ગણી આજ્ઞા કરીઃ–