પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫


“સામંત, મ્હારો પ્રધાન તે મ્હારું અંગ છે અને તેનું અપમાન અને તેના દ્રોહના વિચાર કરવાનો અપરાધ , ત્હેં મ્હારા દેખતાં કર્યો છે તેની શિક્ષા તને કરું છું કે આ પળે મ્હારા મુખ આગળથી જતો ર્‌હે અને મ્હારી આજ્ઞા થાય ત્યાં સુધી રત્નગરીમાં અથવા તેની પંચકોશીમાં અથવા જ્યાં હું અથવા મ્હારો પ્રધાન હઈએ તેની પંચકોશીમાં ત્હારે આવવું નહી- આવીશ તો અધિક શિક્ષા ખમીશ – બીજા એક બોલથી આ પવન અપવિત્ર કર્યાવિના સત્વર ચાલ્યો જા.”

જરાશંકર ભડક્યો – “મહારાજ–”

મલ્લરાજ – “ચુપ! સામંત, આજ્ઞા એકદમ ઉઠાવ.”

સામંત એકદમ ઉભો થઈ રાજાને પ્રણામ કરી ચાલ્યો ગયો. તેના શરીરને, કંપ અને ખેદ એ બે જણે, બંધીવાન કરી, દ્વારની બ્હાર ધક્કેલી ક્‌હાડ્યું.

જરાશંકર – “મહારાજ, આપે બહુ અયોગ્ય આજ્ઞા કરી - અપમાન થતું હોય તો મને પણ શિક્ષા કરજો-પરંતુ ઘણું અયોગ્ય કામ થયું. મ્હારા ઉપર ઘણી મમતા દર્શાવી, પણ પ્રધાનને પુછ્યા વિનાની આજ્ઞા સિદ્ધ નથી.”

મલ્લરાજ - “અભિપ્રાય અને સૂચનાઓ સાંભળતાં જે રાજાને અપમાન લાગે તેણે ગાદી છોડવી જોઈએ. મ્હારી આજ્ઞાને ત્હારા ઉપરની પ્રીતિ સાથે રજ લેવા દેવા નથી. રાજાએ પ્રધાનને પુછ્યા વગર કરેલી આજ્ઞા સિદ્ધ થતી નથી એ નિયમ સત્ય છે, પણ જયારે પ્રધાન જ એક પાસનો પક્ષકાર હોય ત્યારે એ નિયમ લાગુ નથી થતો.”

જરાશંકર – “ત્યારે શું આવી વાતોમાં રાજાઓ વગર પ્રધાને ચલાવી લેશે ? ”

મલ્લરાજ – “અલબત. મ્હારા પ્રધાનનું રક્ષણ કરવું તે મ્હારું કામ છે. મ્હારી સર્વે પ્રજાને માલમ પડવા દે કે જેવી રીતે મ્હારા સામી કોઈ ફરીયાદી ઉઠાવે તે હું સાંભળીશ તેમ જ પ્રધાનના સામી ફરીયાદો પણ સાંભળીશ અને ન્યાય આપીશ. મ્હારી જાત ઉપર કોઈ હુમલો કરશે તો યોગ્ય લાગશે ત્યાં ક્ષમા રાખીશ. પણ મ્હારી રાણી - મ્હારા કુમાર - મ્હારા ભાઈઓ અને મ્હારી સર્વે પ્રજાએ શંકા વગર જાણવું જોઈએ કે મ્હારા અધિકારીઓ તે મ્હારાં શસ્ત્ર છે,