પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮

જરાશંકર – “ત્યારે મહારાજ, આપના કરતાં હું કાંઈ સુખી ખરો કે એવા આવેશના અનુભવ વગર એવો ઉકેલ યથાશક્તિ કરું છું.”

મલ્લરાજ ફરી હસ્યો. “એ વાત તો ખરી. પણ એવો બળવાન આવેશ- ક્ષત્રિયોને યુદ્ધમાં બન્ધુ છે; તે તેને બીજે પ્રસંગે દૂર રાખીયે એવા અમે એકલી ગરજના સગા નથી, અને તમારે એ આવેશની સાથે કદી પ્રસંગ પડવાનું કારણ નથી માટે તમારામાં ડાહ્યા હોય છે તે એનો સંસર્ગ કરતા નથી. એટલો આપણામાં ફેર, અને એ ફેર મટાડવામાં રાજ્યને લાભ નથી માટે જ રાજાના બન્ધુઓને પ્રધાનનું કામ આપવું યોગ્ય નથી અને તમારી ગરજ રાખીએ છીએ.”

જરાશંકર૦ – “ત્યારે મહારાજે ઈંગ્રેજના વકીલની વાતનો ઉકેલ કેવી રીતે કર્યો ? આપના હૃદયમાં ધરતીકંપ થયો તેનું આપે શું મહાપરિણામ જોયું તે ક્‌હો.”

મલ્લરાજ – “ત્હારો ને મ્હારો વિચાર એક થયો.”

જરાશંકર – “મ્હારો વિચાર આપને કહ્યો નથી.”

મલ્લરાજ – “પણ હું સમજ્યો.”

જરાશંકર – “તો બોલી દ્યો.”

મલ્લરાજ – “પ્રથમ તું બોલી દે. પછી હું કહીશ.”

જરાશંકર – “આપની પાસે હું હારું તે યોગ્ય જ છે. ત્યારે હું મ્હારો અભિપ્રાય પ્રથમ કહી દઉં છું તે સાંભળો.”

મલ્લરાજ – “બોલ.”

જરાશંકર – “જુવો, મહારાજ, ઈંગ્રેજની સાથે સંબંધ બાંધ્યો તે હું તો હજી સુધી બરોબર કર્યું જ માનું છું. પણ ધારો કે તે કામ બરોબર ન હોય તોપણ હવે તે વાત નિરુપાય છે, એ સંબંધને સોનાની ખાણ ગણો કે બાણની શય્યા ગણો, પણ જે હોય તે એ. હવે આપણે એમાંથી જેટલો લાભ મળે તેટલો શોધવાનો માર્ગ શોધવો, અને થયું ન થયું થનાર નથી જાણી તેનો વિચાર ન કરવો.”

મલ્લરાજના મુખ ઉપર ગંભીરતા આવી અને બોલ્યો: “ સત્ય વાત કહી.”

જરા– “મહારાજ, હવે ઈંગ્રેજ અધિકારીએ તે સાસુ અને આપ વહુ - એવો સંબંધ બંધાયો, તે લોક આપનો અધિકાર ઓછો કરવા કંઈ