પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦

રાજાઓની રાજનીતિના પ્રવાહ આરંભાય છે અને તે પ્રવાહમાં તરવારની મલ્લકળા તો માત્ર મલ્લરાજ જેવા રાજાઓને જ વરે છે, તો મહારાજ ! આ નિર્વાહકાળમાં એ રાજનીતિની મલ્લકળા કેટલી સબળ કરવી તે હું રંક જન્મના બ્રાહ્મણ કરતાં આપનો સૂર્યવંશી પ્રાચીન રાજકુળાચાર આપને વધારે સમર્થ રીતે શીખવશે. મહારાજ, આપનું રાજબુદ્ધિવીર્ય આપને આમાં નિ:સંશય કંઈક અપૂર્વ ફળસંતતિ આપશે - એવી મ્હારા મનને પૂર્ણ શ્રદ્ધા છે. મહારાજ, હું તો આ રાજનીતિમાં આપને સારથિ છું- મ્હારાથી તો આપ છો અને આપના દિગદર્શન પ્રમાણે રથ ચલાવવા તત્પર છું.”

મલ્લરાજ – “ત્યારે આપણે ઈંગ્રેજ સાથે નિર્વાહ કરવો એટલો અભિપ્રાય ત્હેં આપ્યો અને નિર્વાહ કેવી રીતે કરવો તે વિચારવાનું કામ મ્હારાપર નાંખ્યું.”

જરાશંકર – “મહારાજ, યથાર્થ ક્‌હો છો. આપનો અભિપ્રાય શો તે ક્‌હેવાનો વારો હવે આવ્યો.”

મલ્લરાજ હસીને બોલ્યો: “પ્રધાન લુચ્ચો દેખાય છે. આટલું લાંબું લાંબું બોલી, શું કરવું તે ક્‌હેવાનો ભાર આખરે મ્હારે માથે જ ર્‌હેવા દીધો - ફરી અભિપ્રાય આપતાં સામંતની બ્હીક લાગતી હશે !”

જરાશંકર – “મહારાજ, બ્હીક હશે ત્હોયે બ્રાહ્મણ છું. બાકી આપના જેવા છત્ર નીચે રહી એવા તાપનો ડર હોય તો તે એવા, ડરકણ પ્રધાનને આપની સેવામાં રાખવો યોગ્ય નથી જાણી એને સેવામાં રાખતા હો તો આપનો ધર્મ આપ બજાવતા નથી એટલું ક્‌હેવા જેટલી છાતી ચલવું એટલે વિશ્વાસ તો મને આપનો છે.”

મલ્લરાજ ખડખડ હસી તકીયા ઉપર માથું નાંખી પડ્યો ને ફરી ફરી હસ્યો.

“અસત્ય ભાષણનો ત્યાગ કરી, અપૂર્ણ સત્ય બોલતાં તને આવડ્યું. હવે સામંતને ખોઈ તને ખોવાની મૂર્ખતા મ્હારે માથે બાકી રહી.”

જરાશંકર હસ્યો, “મહારાજ, આ ઈંગ્રેજી રાજ્યનો નિર્વાહ કરવો એટલું સિદ્ધ છે તો તેના વકીલની બાબતમાં પણ નિર્વાહ કરવો એ, રસોઈ કરવા સળગાવેલો તાપ વેઠવાને ચુલેથી કેટલે છેટે બેસવું એના વિચાર કરવા જેવું છે.”