પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦


હસતો હસતો વિહારપુરી બોલ્યો: “ તો ઉસ શેષકા બી ભાર ગુરુપ્રસાદસે ઉતરેગા.” હસવું છોડી બોલ્યોઃ “જો ગભરાઈશ નહી. અધિકાર વિના રહસ્ય ન આપવું તે આટલા જ માટે. હવે જો બીજા બે શ્લોક ત્હેં કહ્યા તેનો અર્થ સમજીશ ત્યારે આનું રહસ્ય વધારે સ્પષ્ટ થશે.”

“ના, બાપજી: ” બે હાથ ઉચા કરી ભડક્યો હોય તેમ રાધેદાસ બોલ્યો. “આજ તો મ્હારે વધારે રહસ્ય જાણવાનો અધિકાર નથી જોઈતો. વળી કાલ આ વખતે હું પુછું ત્યારે સમજાવજો – તમારી મેળે વાત ન ક્‌હાડશો, આટલું ખાધેલું પચશે ત્યારે બીજું માગીશ. નીકર અજીર્ણ થાય.”

“ બહુત અચ્છા ચાલ - ચાલ – ત્યારે આ પ્રકાશ થાયછે તે દંતધાવન, સ્નાન વગેરે કરવા તરત ઉઠવું જોઈએ.”

“આ અતિથિને પણ ઉઠાડશું ?”

“હાસ્તો !”

“ ભાઈ અતિથિ, પ્રાતઃકાળ થવા આવ્યો છે માટે ઉઠો.” – રાધેદાસે અર્ધું વાક્ય ઉચ્ચાર્યું તે પ્હેલાં જાગતો સુતેલો સરસ્વતીચંદ્ર બેઠો થયો.

અત્યારે હજી પ્રાતઃકાળના પાંચ પણ વાગ્યા ન હતા, પરંતુ ચૈત્રમાસનો ઉતાવળો ઉગનારો દિવસ અને પર્વતનું શિખર, એટલે સ્થલ સમયના પ્રસંગથી આછો આછો પ્રકાશનો પટ અંધકારને અંગે જોત જોતામાં ચ્હડતો હતો. રુપેરી તેજનો ચણીયો પૂર્વદિશા પગની પ્હાની આગળથી પ્હેરવા માંડતી હોય અને ધીમે ધીમે ચણીયો ઉંચો ચ્હડાવતી હોય તેમ પ્રાતઃકાળનું પૂર્વગામી તેજ પૂર્વ ક્ષિતિજમાં જ ચ્હડવા લાગ્યું. રાત્રિયે તારાટપકીવાળું એક વસ્ત્ર પહેરી સુઈ રહેલી આકાશનારીએ પણ એ વસ્ત્ર બદલવા માંડ્યું. રાત્રિના શૃંગારરસના રસિક ચમકી રહેલા તારાઓ ધીરે ધીરે એક પછી એક કંઈક સંતાઈ જવા લાગ્યા. ત્હાડના ચમકારા પણ સ્થલસમય ચુક્યા નહી. ચારે પાસ અંધકારનો પડદો ત્રુટી જઈ કંઈક પડી ગયો હોય અને પાછળનો ગુપ્ત પ્રદેશ ઉઘાડો થઈ ગયો હોય તેમ દશે દિશાઓ અવનવી સામગ્રીથી ભરાઈ જવા લાગી, જયાં જુવો ત્યાં એકદમ અગણિત અનેકરંગી અનેક ભાતનાં ચિત્રોનો ભરાવો કરી દીધા જેવી પૃથ્વી થઈ ગઈ. કાલ જંગલમાં હતો તે આજ કાંઈક જાદુથી – ચમત્કારથી – પર્વત ઉપર આવી પડેલો હોય એવો સરસ્વતીચંદ્ર ચાર પાસ વિસ્મય અને હર્ષથી જોવા લાગ્યો, પરમદિવસે જ રાણા ભૂપસિંહના દરબારમાં મગજને ગુંચવારામાં નાંખી ગભરાવે એવો ઠાઠ જોયો હતો તેથી વધારે ગુંચવે અને ગભરાવે એવો ઠાઠ