પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪

અને સાર્મત જેવા પ્રતાપી સપક્ષ મિત્રને શત્રુ કરવામાં રાજાએ સાન કરતાં કાન વાપર્યાનો નિર્ણય થઈ ગયો. મલ્લરાજને માથે આવો આરોપ આજ પ્રથમ જ આવ્યો. રાજાની બુદ્ધિ બદલાઈ તેની સાથે કાળ બદલાયો એમ સર્વ ક્‌હેવા લાગ્યાં, અંતઃપુરમાં જતાં જતાં મળેલાં સર્વ માણસનાં પરભાર્યાં બની ગયેલાં મુખ ઉપરથી જ રાજા સર્વેની આ બદલાયલી વૃત્તિ કળી ગયો અને એના બળતા ચિત્તમાં ઘી હોમાયું તો પણ રાજાનો પ્રતાપ એવો હતો કે કોઈથી એની પાસે કે માંહોમાંહી પણ ઉંચે સ્વરે આ વાત વીશે ઓઠ ફરફડાવી શકાય નહી. યમરાજના ઘાથી શૂન્ય થયો હોય એમ આખો રાજમહાલ લાગ્યો, સર્વના મતમાં ભળેલી રાણીની પણ આ વાતમાં જીભ ઉપડે એમ ન હતું – રાજનીતિના પ્રસંગમાં અંતઃપુરનાં કોઈપણ માણસને તેણે ઓઠ ઉઘાડવાનો અધિકાર આપ્યો ન હતો, અને એની આજ્ઞાનો ભંગ કરવો એ પરિણામ અતિશય ભયંકર હતું તેનો અનુભવ સામંતના દૃષ્ટાંતથી સર્વને પ્રત્યક્ષ થયો હતો. છતાં યમરાજની સાથે અંતકાળે વાતો કરવા બેઠેલા રામચંદ્રનું હિત ઈચ્છી, પોતાનું અહિત અવગણી, લક્ષ્મણે દુર્વાસાને ભાઈ પાસે જવા દીધા હતા અને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તે દૃષ્ટાંત લક્ષમાં લઈ રાણીએ રાજા પાસે પોતાનું ઇંગિત સ્પષ્ટ કરવા છાતી ચલાવી, અને તેમ કરવામાં રાજાના ચિત્તની ગ્લાનિ દુર કરી વિનોદ આપવાનો માર્ગ લેવાનો – એક સાધનથી બે કાર્ય સાધવાનો પ્રયાસ આરંભ્યો.

બન્ધુસ્નેહને રાજ્યધર્મના ભારનીચે ડાબી દેવાના પ્રયાસ અને ક્લેશથી થાકેલો મલ્લરાજ મસ્તિકમાંથી સર્વ ભાર ફેંકી દેઈ રાણીના અંકસ્થળમાં માથું મુકી પલંગમાં સુતો, દીવાની ઝીણી કરી દીધેલી જ્યોત્સના તેની આંખનો ક્લેશ દૂર રાખી માત્ર પ્રકાશ જ આપવા લાગી, ઉઘાડી બારીમાંથી પશ્ચિમ સમુદ્રની ભરતીની પ્રેરેલી પવનની લ્હેરો રાજાના શરીરને નિદ્રોન્મુખ કરવા લાગી, બહારનાં ઝાડનાં પાંદડાનો ખડખડાટ કર્ણેન્દ્રિયને એકસ્વરમાં લીન કરવા લાગ્યો, અને રાજાની ચિત્તશય્યામાં આળોટતી ચિંતાઓએ ખોઈ દીધેલી પદભ્રષ્ટ નિષ્ટાદેવીનું આવાહન આરંભવા આનન્દયોગનું મુહૂર્ત સાધવાના ઊલ્લાસથી સ્વામીના શરીરપર કરતલ ફેરવતી મેનારાણી જોડી રાખેલું ગેય ધીરે ધીમે સ્વરે ગાવા લાગી: