પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭

રાણી, પગે પડી-રાજાના જમણા પગને આલિંગન દેઈ, બોલી, “મહારાજ ! મ્હેં રાજનીતિમાં ચાંચ બોળી નથી - આપના રાજ્યમાં હું અબળા પ્રબળ બની આપને લાંછન લગાડવા અભિલાષ રાખતી નથી. એ અભિલાષ બીજી સ્ત્રીયોને સોંપ્યો - મેના તો આપની પ્રજા છે અને આપનો આપેલો અધિકાર લે છે.”

રાજા – “તે શો?”

રાણી – “કોઈ સર્પ આપને દંશ દે એવે સ્થળે આપ સંચાર કરો ત્યારે વચનથી અને અગત્ય પડે તો વચ્ચે પડી આપને ખેંચીને પણ આપને વિષદંશમાંથી ઉગારવા એ અધિકાર આપના આયુષ્યવડે સૌભાગ્યવતીને વિવાહના સમયથી જ મળેલો છે.”

રાજા – “શું સામંત મને દંશ દે એમ છે?”

રાણી – “સામંત તો દે એમ નથી. પણ આપના ભાયાતો એ સામંતના દાંત છે ને એ દાંતમાં વિષ છે. મહારાજ, આપના ભાયાતો આપના પ્રધાન ઉપર અને આપના ઉપર ક્રોધે ભરાયા છે. સામંતને ક્ષમા કરશો તો આ વિષ શાંત થશે અને એ વિષવાળા નાગના શિર ઉપર ધરતીનો ભાર રાખશો તે ટકશે. એ આપની જાતને ઉગારી લેવાનો એક માર્ગ છે.”

રાજા – “રાણી ! ત્હારો અભિપ્રાય જાણ્યો. એ અભિપ્રાયથી મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો નહીં કર્યો નહી થાય; પણ તને શિક્ષા થોડીક કરુંછું તે એ કે આજની રાત્રિ મ્હારો વિયોગ વેઠવો અને ફરીથી રાજ્ય પ્રસંગના વિષયમાં ઉચ્ચાર પણ ન કરવો એટલી ફરી આજ્ઞા આપું છું.”

રાણી રાજાનો પગ મુકી ઉઠી. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, “મહારાજ ! આપના વચનમાં ન્યાય છે અને આપની આજ્ઞામાં દંડ અને ક્ષમા ઉભય છે – એ આજ્ઞાનો ભંગ કરવા મુજ રંકનું ગજું નથી. મહારાજ, હું આપની રૈયત છું. આપ રંગ–ભવનમાં પધારી શચ્યા કરો – હું આજની રાત આ ચોકમાં જ દેશવટો ભોગવીશ.”

રાજા પલંગમાં સુતો. રાણી ચોકમાં સુતી. પ્રીતિની સત્તાના કાંટામાં સુતેલો રાજા આખી રાત ઉંઘી શક્યો નહી તેમ રાજ્યાસનનો અધિકારી પ્રિયજનને કરેલી શિક્ષાના વિષયમાં પશ્ચાત્તાપ કે ઉદ્વેગ પામી શક્યો નહી. સામંત જેવા મિત્રને અને મેના જેવી રાણીને શિક્ષા