પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦

કરતો નથી એવો આભાસ એજંટના મનમાં ઉત્પન્ન કરવા તેમ ન્યાય માગવાને નિમિત્તે, એજંટની મૂર્ખતાનો અથવા ધનવાસનાનો લાભ લેઈ એજંટના આપેલા ન્યાયદ્વારા, પારકી પૃથ્વી કમાવા ખાચરે પાડોશીઓ સામા દાવા કરવા કરાવવા માંડ્યા. આ ચેપ બીજાં રાજ્યોમાં પણ પેઠો. રાજાઓમાં શાંતિ રાખવાના અને તેમના પંચનો અધિકાર ધારણ કરવાના અભિલાષી પોલીટીકલ એજંટનો અભિલાષ સિદ્ધ થયો અને લ્હડવા પડેલી બીલાડીઓની ભાખરીઓ તેમનાથી વધારે બુદ્ધિમાન અને બળવાન વાનરના હાથમાંની તુલામાં પડવા માંડી. આ કાળપરિવર્તનનું નાટક મલ્લરાજ દૂરથી જોયાં કરતો હતો અને ખિન્ન થતો હતો, એટલામાં એ કાળચક્રનો ઘોષ એના કાનમાં પણ આવવા લાગ્યો – એના રાજ્યપર એ ચક્ર ફરતાં લાગ્યાં. પોતાના સ્વરાજ્યમાં અંતઃપુર સુધી સળગેલી આગ હોલવી રહ્યા પછી ઘણો કાળ થયો નહી એટલામાં પરરાજ્યોમાં લાગેલી આગના ભડકા આકાશમાં દેખાવા લાગ્યા અને તેના તનખા પોતાના છાપરા ઉપર પડવા લાગ્યા. જુની મિત્રતા ભુલી જઈ ખાચરે એક પાસથી રત્નનગરીના રાજ્ય સાથે સીમાડાની તકરાર ઉઠાવી અને બીજી પાસથી ખાચરના ગ્રાસીયાઓ ૨ત્નનગરીના રાજ્યની એક પાસની જમીન ખેડાવવા લાગ્યા. એજંટે મલ્લરાજ ઉપર પત્ર લખી ખાચરે ઉપાડેલી તકરારનો ઉત્તર માગ્યો. એક પાસથી આ ઉત્તર માગવાનો તેને અધિકાર મલ્લરાજે સ્વીકાર્યો નહી અને તે વિષયનું લેખયુદ્ધ ચાલ્યું અને બીજી પાસથી તેણે જરાશંકરને અને સામંતના ઉગતા પુત્ર મુળુભાને બોલાવી રાજાપ્રધાન વચ્ચે સિદ્ધ કરેલી આજ્ઞા આપી.

“જરાશંકર, રાજાઓના પંચ થનારે પંચનો ઢોંગ માંડ્યો અને મૂર્ખ રાજાઓ એકબીજાનાં ગળાં કાપી પંચના હાથમાં મુકશે. શસ્ત્રયુદ્ધના યુગમાં પણ ધરતીનો લોભ ન કરનાર રાજા એ લોભમાં પડી વૈશ્યયુદ્ધ કરે એ કાંઈ બને એવી વાત નથી. શસ્ત્રયુદ્ધના કાળમાં ભાયાતો અને યોદ્ધાઓનો સ્વાર્થ એવો હતો કે રાજાઓ ધરતીના ભુખ્યા ર્‌હે અને ઘડીઘડી યુદ્ધના પ્રસંગો શોધી એ યોદ્ધાઓની ધરતીની તૃષા ભાંગે. આ વૈશ્યયુદ્ધના કાળમાં પ્રધાન સહિત મુત્સદ્દી વર્ગનો એવો સ્વાર્થ છે કે રાજાઓ ધરતીના ભુખ્યા રહે અને ઘડી ઘડી લેખયુદ્ધના પ્રસંગ શોધી લેખકવર્ગની ભુખ ભાંગે. જરાશંકર, ભૂતકાળમાં આપણાં પુરુષરત્નને જેમ લોભનાં કલંક લાગ્યાં નથી તેમ