પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪

બોલવામાં કાંઈ કપટ હોય, એના સ્મિતમાં કોઈ ગુપ્ત કટાર હોય, એનાં હૃદયમાં કોઈક રાક્ષસ હોય – એવો આભાસ મલ્લરાજના હૃદયમાં વીજળી પેઠે ચમકારો કરી શાંત થયો. તેને અકારણ ગણી મલ્લરાજે તેનો વિચાર ન કર્યો અને પોતે સ્વકાર્યમાં ભળ્યો.

“વિદ્યાચતુરને આ પ્રસંગોમાં સર્વ રાજકીય પુરુષોના પ્રસંગનો લાભ મળશે તો તે વિદ્યાનો લાભ મણિરાજને મળશે અને જરાશંકર પાછળ તૈયાર કરવા યોગ્ય વિદ્યાચતુરને ધાર્યો છે તે તૈયાર થશે તો રાજ્યને પણ લાભ છે” – એ સંકલ્પ મનમાં કરી વિદ્યાચતુરને નવાં કામોમાં સાથે લેવા જરાશંકરને રાજાએ આજ્ઞા કરી. જરાશંકરને તો ભાવતું હતું ને વૈદ્યે કર્યું.

આ મહાન કાર્ય કરવામાં કેટલાંક વર્ષ ગયાં. તે પૂર્ણ થતાં પ્હેલાં રાજાઓના અને ઈંગ્રેજ અધિકારીઓના કંઈ કંઈ અનુભવ થયા. ખંડણી વસુલ કરવા અને પંચનું કામ કરવા નીમાયેલા અધિકારીનાં રૂપ કાળક્રમે બદલાયાં અને મલ્લરાજનો અભિપ્રાય થયો કે તે અંતે રાજાઓના ગોવાળનું રૂપ ધરશે.

રાજાઓના પંચ નીમાયેલા અધિકારીને માથે ઉપરી સરકારે સરપંચનું કામ કરવા માંડ્યું અને સાધારણ પ્રજાવર્ગનાં માણસ એક ન્યાયાધિકારીની પાસેથી સંતોષ ન મળતાં ઉપરી ન્યાયાધિકારી પાસે શુદ્ધતર ન્યાય (અપીલ) માગવા જાય તેમ રાજાઓ એજંટ પાસેથી સરકાર પાસે જવા લાગ્યા અને તેમને માથે ન્યાયાસન સ્થપાયાં. ક્ષત્રિયત્વ, ભુલી રાજાઓ સાથે રાજાઓ વૈશ્ય યુદ્ધ કરવા મંડી ગયા, પંચ પાસે હારતાં સરપંચ પાસે શુદ્ધતર ન્યાયના ભિક્ષુક થવા લાગ્યા, અને તેમની ભિક્ષુકતા વધી તેમ તેમ પંચ-સરપંચનું ગૌરવ વધવા લાગ્યું. સાક્ષી પુરવાં ઉપર આધાર રાખતો ન્યાય શોધનાર રાજાઓનાં ભાગ્ય ક્ષુદ્ર સાક્ષીઓના હાથમાં જતાં રહ્યાં; બે પક્ષમાંથી એકનો પુરાવો ખોટો માનવો આવશ્યક થતાં રાજાઓની અને તેમના પ્રધાનોની પ્રતિષ્ઠા પંચ-સરપંચના હાથમાં જવા લાગી, અને પ્રતિષ્ઠાહાનિને ક્રમે રાજત્વ પણ હઠવા લાગ્યું. રાજાઓની આ દશા થઈ તેની સાથે પંચ-સરપંચનો અધિકાર ક્વચિત જાતે વધ્યો તો કવચિત્ વધાર્યો વધ્યો, કવચિત્ રાજાઓ એ અધિકારની શંકા ઉઠાવવા લાગ્યા તો ક્વચિત એ જ શંકાઓએ અધિકારને, સ્થાણું ખનનન્યાયનો પ્રસંગ આપી, સિદ્ધ અને સ્થિર કર્યો. ન્યાયી એજંટ હોય ત્યાં હારેલાં દ્યૂત ફરી રમવાની