પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પ૭

આ નિર્ણયશોધનમાં રાજાઓની આ દોડાદોડ તેમને અનેકધા ભમાવવા લાગી. સરકારની સેનાના યોદ્ધાઓ – military man - ના હાથમાં આ પંચપણું હોય ત્યારે તેમના ક્ષુદ્ર શીરસ્તેદારોના હાથમાં અધિકારસૂત્ર ર્‌હેવા લાગ્યાં તો પંડિત અધિકારીઓના હાથમાં આ પંચપણું આવે ત્યાં સરકાર સુધી ફરે નહી એવાં પ્રવીણ નિર્ણયપત્ર પરભારાં લખાવા લાગ્યાં અને એ પત્રમાંના પૂર્વપક્ષને ઉત્તરપક્ષ કરવા જેટલાં સાધનને સ્થાને બે ચાર સંક્ષિપ્ત વાક્યોમાં રાજાઓને વિધિનિષેધ થવા લાગ્યા. રાજાઓના વૈશ્યવિગ્રહનાં આ નાટકોની વાર્તાઓ, વધતી ઘટતી, ૨ત્નનગરીમાં દૂરની આગના ધુમાડાના ગોટાઓ પેઠે આવવા લાગી. આ ગોટાઓથી મલ્લરાજની આંખો ચોળાતાં, આ વૈશ્યવ્યવહારી રાજાઓને, એ વ્યવહારને પરિચિત પણ રાજાઓને અપરિચિત હાડેતુતુ ન્યાય અને માનાપમાન મળવા લાગ્યાં ત્યારે, બ્હાર દોડતી વૃત્તિઓને પાછી ખેંચી લેઈ અંતર્મુખ કરી, યોગી પોતાના નિત્ય અને સત્યસ્વરૂપમાં લીન થાય તેમ, આ અધિકારમંથનકાળે રત્નનગરીના ઉદાસીન રાજયોગીએ કરવા માંડ્યું. વિદ્યાચતુરે આ વિષયમાં એક દિવસ એવું સમાધાન કર્યું કે, “આપણા રાજાઓ જ્યારે જાતે ભ્રષ્ટ થાય છે ત્યારે પરદેશીઓ પણ તેવા ભ્રષ્ટ થતા હોય તો મોઘલાઈ પાછી આવે પણ આ પરદેશીઓની રાજનીતિના નિયમ તેમના સ્વાર્થ સાચવી અંતે પણ ન્યાય આપવાનું પ્રયોજન રાખે છે અને આપણા રાજાઓને એ ન્યાય મેળવતાં ક્લેશ પડે છે તેનાં કારણ ત્રણ છે. એક તો એ નિયમો સંપૂર્ણ ગુણવાળા, અથવા આપણા વ્યવહારને કેવળ અનુકૂળ નથી. બીજું એ કે એ નિયમો અમલમાં આણનાર અધિકારીઓમાં કંઈક ભાગ અપ્રવીણ અથવા દુષ્ટ લોકોનો છે અને સારાઓની સંખ્યા છે પણ જોઈએ તેથી થોડી છે. અને ત્રીજું એ કે આપણા રાજાઓ અને તેમનાં માણસોમાંથી દુષ્ટ પુરુષોને બાદ કરીએ તો પણ બાકીનાં માણસોમાં સદ્‍ગુણ સાથે નવા યુગની વેગવાળી ભરતી ઉપર તરવાની વૃત્તિ પણ નથી અને કળા પણ નથી. પરદેશીઓના સ્વાર્થનો ભાર તો ઝીલ્યા વિના છુટકો નથી. પણ આ ત્રણે કારણ દૂર થઈ શકે એવાં છે – જો આપણાંમાં આપણાપણું હશે તો. મહારાજ ! આપના જેવી અતૃષ્ણા અને ઉદારતા તેમ આપનો સંયમ બધાઓમાં ર્‌હેવો અશક્ય છે અને પાડોશીઓની લાતો ખાવા જેટલી સહનશક્તિ પણ ન્હાની સુની વાત નથી – તેવા