પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧

ચારે પાસ સળગી રહેલી આગને જોનારાંની પાસે બળવાન કાળપવને એ આગનો ઝપાટો લગાડ્યો, પવનના અચીન્તયા ઝપાટાથી આગના ભડકાથી એક ઉંચી શિખ આડી થઈ મલ્લરાજના રાજ્યગૃહસાથે ઝપટાઈ અને રત્નનગરીના સર્વ રાજ્યાધિકારીઓ, નિદ્રામાંથી એકદમ ચમકી, જાગી, ઉભા થઈ સજ્જ થઈ ગયા.

કુમાર મણિરાજ રાજ્યનો પ્રત્યક્ષ વારસ ખરો, પણ તેને અભાવે સામંત વરસ થાય અને તેને અભાવે મુળુભા થાય. આવા વારસોને રાજયનું કલ્યાણ ઈચ્છી રાજ્યપ્રસંગોમાં કેળવણી આપવી એવો રત્નનગરીના રાજાઓનો પ્રાચીન કુલાચાર હતો. નાગરાજે સામંતને આવી કેળવણી આપી હતી, અને મલ્લરાજે મુળુને જરાશંકર જોડે મોકલ્યો તેનો પણ આવો જ અભિપ્રાય હતો, પણ પ્રત્યક્ષ વારસોને અપ્રત્યક્ષ વારસો સાથે અતિનિકટ સહવાસ રાખવાથી રાજ્યલોભનો વિષદંશ અપ્રત્યક્ષ વારસોના ચિત્તમાં ઊત્પન્ન થવાની ભીતિ, અને પ્રત્યક્ષ વારસોને જીવની હાનિની ભીતિ, હોવાનું લક્ષ્યમાં રાખી એ બેને અતિનિકટ સહવાસ રાખવામાં આવતો નહીં. છતાં તે બેના પરસ્પર સ્નેહ ઉપર રાજ્યનો આધાર ગણી તેમને અત્યંત દૂર પણ રાખવા દેવામાં આવતા નહી, અર્થાત્ તેમનો પ્રસંગે પ્રસંગે નિર્ભય દેશકાળે સહવાસ વધારવામાં આવતો. સામંતનું ચિત્ત નિર્મલ હોવાથી એના ભણીથી કોઈ જાતનું ભય મલ્લરાજને થયું ન હતું. પણ મુળુનો સ્વભાવ જાતે અસંતુષ્ટ હતો તેમાં પિતાના તિરસ્કારનું કારણ મળ્યું ત્યાર પછી તેના ચિત્તમાં કોઈક જાતની અતર્ક્ય ચંચળતા ઉત્પન્ન થઈ અને મલ્લરાજ સામે તેનામાં સ્વભાવબદ્ધ વૈર રોપાયું. મલ્લરાજ તેને જે જે આદર બતાવે તેના અર્થ તે અવળા જ કરવા લાગ્યો અને રાજા મ્હારાથી ડરે છે અને મને શાંત રાખવા આદર દર્શાવે છે એવું એ કલ્પવા લાગ્યો; મણિરાજનો સહવાસ થતાં આ ધીર અને શાંત બાળકને એ નિર્માલ્ય, નિસ્તેજ, અને બુદ્ધિહીન ગણવા લાગ્યો અને એવો કુમાર રાજ્ય ભોગવશે જાણી રાજ્યની દયા આણવા લાગ્યો. આવો કુમાર રાજા થશે ત્યારે પ્રધાનો ફાટી જશે અને વિદ્યાચતુર કર્તાહર્તા થશે એ પણ તેના મનમાં સિદ્ધ થયું. યુવાન મુળુનું ચિત્ત દિવસે દિવસે આવા નિશ્ચયે કરી ઉદ્રિક્ત થયું; પણ પોતાના ઘરમાં પોતાના પિતાની રાજભક્તિ સમક્ષ એ ચિત્તમાંથી વરાળ સરખી ક્‌હાડવા જેટલી ધૃષ્ટતા એનામાં આવી શકતી ન હતી. માત્ર માતાપાસે કવચિત્