પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

કંઠ અને આંગળીયો માર્ગે પડ્યા. કંઠ અને તુંબુરના સ્વર પરસ્પર લીન થયા.

[૧]"પ્રાત...થ.યો !......યદુનં.......દન જા......ગો.......
“અ–લ–ખ–હવે......લખ...થા...વો !...રી......પ્રાત૦
"ર-જ-નિ-ગઈ......દિન આ.......વી ઉભો...છે...
“વા......ટ જુઓ......પ્રભુ ! જાગો.......રી !...પ્રાત૦
“હળવે... હળવે... ...તા-રા...થા–તા...
“અ-સ્ત ! ઉગે...છે......ભા...નુ...રી........
પ્રાત૦
"હરિ...હા...હરિ...હા......
“પ્ર-ક-ટ-ની ભ...ક્તિ......પ્રકટે...જ્યા...રે..
"પ્રકટે...સુ......ન્દરના[૨]-સા...નુ[૩]...રી !...
“સા...નુ ઉઉ...રી !......
"સા-આ સા...નુ...રી !......પ્રાત૦
"યા...દવવંશ...તણા...રવિ...કે...રાં…
“દ-ર્શ-ન-આ......રવિ કરતો....રી !...પ્રાત૦
"હૃ–દ-ય-કમળ કે...... કમળ જ...વિકસે ?......
“વિષ્ણુદા.........સ નહીં કળતો......રી !...…….પ્રાત૦”

ગાન એકદમ બંધ થયું. તુંબુર રણકાર કરતો કરતો બંધ થયો. વિહારપુરી રાધેદાસને ખભે હાથ મુકી અચીન્ત્યો બોલ્યો, “ગુરુજીને સમાધિ ચ્હડ્યો !”

રાધેદાસઃ “શું ગુરુજીની શક્તિ ! જ્ઞાન જુવો તો એમનું ! વૈરાગ્ય એમનો ! ઉપદેશ એમનો ! બુદ્ધિ, ગાયન, વાદિત્ર, ભક્તિ, યોગ, સમાધિ - જે સદ્વસ્તુ ક્‌હો તેનો સમુદાય ગુરુજીમાં – અને તે પણ અપૂર્વ.”

“વાહ વાહ! રાધેદાસ ! ધન્ય ભાગ્ય આપણાં કે ગુરુની સેવા કરતાં જ અલખ જગાવીયે છીયે.” વિહારપુરી બોલ્યોઃ વળી સરસ્વતીચંદ્રના મ્હોં સામું જોઈ તેને કહેવા લાગ્યો.

“ભાગ્યશાળી જુવાન ! તમે સુન્દરગિરિના વિષ્ણુદાસ બાવાના મઠના અતિથિ છો - તેમના અત્યંત પ્રસાદનું પાત્ર છો. અમે તેમના ચેલા


  1. ૧.રાગ ભૈરવ.
  2. ૨. સુન્દર=સુન્દરગિરિ.
  3. ૩.સાનુ=શિખર.