પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪

“આ અન્યોક્તિ મ્હારી પાસે શા વાસ્તે ક્‌હેવડાવી તે તો ક્‌હેવડાવનાર મહારાજ જાણે। બાકી સામંતભા, પુત્રનું બળિદાન આપવા સજજ થઈ આપે બતાવેલી રાજભક્તિ આગળ અમે તો ક્ષુદ્ર જંતુ છીએ અને છોકરવાદીનું વય જતાં મુળુભા પણ આપના જેવા રાજ્યસ્તંભ થાવ એવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે. જરાશંકર જેવા કંઈક આવશે જશે પણ સામંતરાજ જેવા રાજભક્ત સિંહ તો એના જ વંશમાં થશે.”

સામંતે જરાશંકરનું વચન સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને મલ્લરાજ સામે દૃષ્ટિ સ્થિર કરી રાખી થોડીવાર કોઈ બોલ્યું નહીં. અન્તે થાકીને સામંત બોલ્યો.

“મહારાજ, હું કાંઈ મ્હારી સ્તુતિ સાંભળવા આવ્યો નથી. મ્હેં કરેલી વિજ્ઞપ્તિનો ઉત્તર આપો.”

મલ્લરાજ – “ આ શ્લોકમાં ઉત્તર જ છે.”

સામંત – “હું શ્લોક સમજતો નથી – મને ઉત્તર આપો.”

મલ્લરાજ – “શ્લોક સમજે તો ઉત્તર આપું.”

સામંત – “ જો આપની આજ્ઞા જ હોય કે મ્હારે શ્લોક પ્રથમ સમજવો અને પછી ઉત્તર માગવો તો તે આપનો અધિકાર છે.”

મલ્લરાજ – (હસીને) “પણ “સમજાવો” એમ તું સ્પષ્ટ માગનાર નહી. ભલે આજ્ઞા ગણીને સમજ. હવેના યુગમાં, રાજાઓની પાસે રંક મૃગલાં જેવી તેમની પ્રજા પડી છે તેને કચરી નાંખવી હોય તો નવરા સ્વામીને સ્ત્રી ઉપર શૂર થવાનું છે. એથી છેટે આ સ્ત્રીજાતિ જેવા બીજા રાજાઓ પડોશમાં હાથણોનાં ટોળાં પેઠે ભમે છે તે સ્ત્રીઓની મૃગયા તે શૂરમૃગયા નથી. પણ છેક છેટે એ હાથણોના સ્વામી મદોન્મત્ત હાથી જેવા ઇંગ્રેજ લોક ગર્જના કરી રહ્યા છે તેમના સામે પોતાના નખનું પાણ્ડિત્ય બતાવવું હોય તો રત્નનગરીના રાજાઓમાં હતું તે નાગરાજ મહારાજે બતાવી દીધું છે અને હવે સિંહ અને હાથીની મિત્રતાના કાળમાં માત્ર મૈત્રીપાણ્ડિત્યને જ અવકાશ છે. હવે તો નવરો સ્વામી સ્ત્રીઉપર શૂરત્વ દેખાડે તેવું શૂરત્વ ધરી, મૃગ જેવી પ્રજાના પતિ એટલે પાલણ કરનારનું કામ મુકી દઈ, તે પ્રજાને જ પંઝો દેખાડવો એ તો બાયલાઓનું કામ છે તે તું મને બતાવે છે. ક્‌હે, ઉત્તર મળ્યો ? ”