પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫

સામંત સ્તબ્ધ થઈ થોડીવાર બોલ્યા વગર જોઈ જ રહ્યો. અંતે બોલ્યો – “પ્રજાનું રક્ષણ કરવું પડે માટે શું તેને આપણે માથે પણ ચ્હડવા દેવી એવું શાસ્ત્ર છે? મહારાજ, એવાં શાસ્ત્ર ક્‌હાડશો તો ગાદી છોડી કાલ સવારે સંન્યાસી થવું પડશે.”

મલ્લરાજ હસ્યો: “તે પ્રજાના કલ્યાણ વાસ્તે ક્ષત્રિય રાજા સંન્યાસી થાય તો તેમાં શું અયોગ્ય છે ?”

“મહારાજ, ક્ષમા કરો, આમાં પ્રજાનું કલ્યાણ આવી ગયું હોય એમ હું દેખતો નથી. બાકી આપની ઉદારતા તો ખરી. પણ ઘણું વખત ઉદારતા એ માત્ર લોકમાં પ્રિય થવાનું મૂર્ખાઈભરેલું સાધન છે અને એ ઉદારતા બતાવી લોકોને લડાક બનાવી મુકશે તો જેનું કલ્યાણ ઈચ્છો છો તેને જ બેસવાની ડાળ કાપવાનું શીખવાશે.”

મલ્લરાજ – “સામંત, તું ભુલી જાય છે કે મુળુભા મલ્લરાજની પ્રજા જ છે એમ નથી પણ મણિરાજ જેવો મ્હારો પુત્ર છે એવો મુળુ પણ છે.”

સામંત – “જો એમ હોય તો સામંતને શિક્ષા કરી તેથી સોગણી મુળુને કરવી જોઈએ. પણ આપ એને પારકો ગણો છો માટે જ શિક્ષા કરતા નથી.”

મલ્લરાજ – “જે પિતા પુત્રને એટલો દૂર કરે છે કે તે ફરી સમીપ આવે જ નહીં તે પિતા પુત્રને અપુત્ર કરે છે.”

સામંત – “મહારાજ, હું હાર્યો. તો એવી શિક્ષા કરો કે પુત્ર અપુત્ર થવાનું ભુલી જાય.”

મલ્લરાજ – “હવે બોલ્યો તે ક્રોધ ત્યજી સાત્ત્વિક વૃત્તિની વાત કરી. રાજાઓએ રાગદ્વેષનો ઉપદેશ સાંભળવો પણ નહી અને કરવો પણ નહી. હવે તને સાત્ત્વિક વૃત્તિ થઈ તો ત્હારી સાથે ચર્ચા કરવાને તું અધિકારી થયો તો સાંભળ. ન્યાય જોવો એ રાજાપ્રજાના સંબંધમાં રાજાઓનું એક કર્તવ્ય છે પણ ન્યાય કરતાં રાજનીતિ મ્હોટી છે, ન્યાય એ રાજનીતિનું એક શસ્ત્ર છે – અને પ્રજાવર્ગ પરસ્પર વિરોધ ન કરે માટે એ શસ્ત્ર નિરંતર સજ્જ રાખવાનું છે. રાજાપ્રજા વચ્ચે વિરોધ થાય ત્યારે એ શસ્ત્ર ક્વચિત્ વપરાય છે, પણ ઘણું ખરું એ શસ્ત્ર એ પ્રસંગે યોગ્ય નથી. રાજાપ્રજાનો સંબંધ ક્‌વચિત્ સ્ત્રીપુરુષના જેવો હોય છે - તે કાળે જે માર્ગથી તેમનાં ઐક્ય અને પ્રેમ વધે એવા શસ્ત્ર યોગ્ય છે. ક્‌વચિત્ એ સંબંધ પિતાપુત્ર જેવો