પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭

પ્રયત્ન કર્યો છે કે તે સંધિથી ખાચરને એકલો લાભ અને આપણને એકલી હાનિ જ થાય. અર્થાત્ પૃથ્વી અને દ્રવ્યનો પ્રત્યક્ષ લાભ માત્ર પોતાના જ પક્ષને મળે છે તેનો તિરસ્કાર કરવા ખાચર ઉભો થયો છે તે કેવળ દુરાગ્રહનું ફળ છે એમ ગણીએ તો ખાચરને દુરાગ્રહી ગણવો પડે. ખાચર દુરાગ્રહી નથી – મમતી પણ નથી. પણ આપણને નમતા દેખી એના ચિત્તમાં વધારે શંકા ઉત્પન્ન થઈ હોય અથવા એજંટે એને કાંઈ વધારે લાલચ દેખાડી હોય અથવા મુળુભા અને ખાચર એ સમાન વયના સ્નેહી હોવાથી અન્યોન્યાશ્રયની ગાંઠથી બંધાયા હોય અને એ ગાંઠથી સત્તાનો લોભ ઈચ્છી પરસ્પરની સત્તા વધારવા ઈચ્છતા હોય – આવાં કાંઈ કારણને લીધે જ ખાચર આપણી સાથે એકમત થતો નથી એમ મને લાગે છે. સામંતરાજ, આપે મને ક્ષમા આપી એવું હું માનું છું - પણ મુળુભાના મનમાંથી એ ડાઘ ગયો નથી. આપને ખબર છે કે આપને થયેલા અપમાનમાં મહારાજે કરેલી આજ્ઞામાં પ્રધાનનો હાથ નથી - આપ આ વાત માનશો – યુવાન મુળુભા ન માને એ સ્વાભાવિક છે. આ અવસ્થામાં આપ મ્હારો પક્ષ લેશો તેનો મુળુભા અવળો નહી તો જુદો જ અર્થ કરશે. માટે મ્હારો પ્રથમ અભિપ્રાય એ છે કે આ વિષયમાં થોડો કાળ આપે મુળુભા પાસે એવો આભાસ પડવા ન દેવો કે એ આપને અમારા પક્ષના ગણે.”

સામંત ઓઠ કરડતો બોલ્યો: “પછી ?”

જરાશંકર – “પછી આપ મુળુભાના હૃદયના મિત્ર બનો. એના વિશ્વાસના પાત્ર બનો. એનું હૃદય આપની પાસે એ જાતે ઉઘાડે એમ કરો. ખાચર અને એજંટની વાતો અને પત્રવ્યવહાર વગરભયે એ આપને સમજાવે એમ કરો. અને અંતે ખાચર પણ આપના ઉપર વિશ્વાસ કરે એ સમય લાવો. સામંતભા, શત્રુના ઘરમાં અમારા શત્રુ ગણાઈ પેસવા પામો. બુદ્ધિમાન્ મુળુભાને – મુળુભા પણ ચેતે નહી અને જડ હોય એમ ખાચરના એ ઘરમાં ખાતર પાડવાના ખાતરીયાને ઠેકાણે વાપરો. મુળુભાને પ્રત્યક્ષ શિક્ષા કરવાનું છોડી દેઈ એનો આ ઉપયોગ કરો અને ધારેલો સંધિ સાધો.”

સામંતને કંઈક વિશ્વાસ પડ્યો. તેનાં ચિત્તમાં કાંઈક શાંતિ થઈ. તે ધીમો પડી પુછવા લાગ્યો,

“પણ માણસ કામ કરે આશે કે ત્રાસે. મુળુનાં ચિત્તમાંથી