પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮

ત્રાસનું બીજ તો તમે ક્‌હાડી નાખ્યું. તમને અને ખાચરને એક ગાંઠે સાંધવાનો અભિલાષ મુળુ શી રીતે ધરશે ?”

જરાશંકર – “મહારાજ તો હાલ મ્હારી આંખે દેખે છે - ખાચરની જોડે સંધિ કરવામાં મુળુભા ફાવશે તો મહારાજ મુળુભાની આંખે દેખતા થશે - વર્તમાન ચિત્રમાં હું આ ઉંચી સ્થિતિયે છું તેને ભવિષ્યકાળના ચિત્રમાંથી ભુસી નાંખવો અને તેને સ્થાને મુળુભાને તેજસ્વી રંગો વડે પ્રતિષ્ઠા આપવી: આ આશાથી મુળુભા આપને અનુકૂળ થઈ જશે. સામંતરાજ ! ખાચરની મિત્રતા શોધવાથી મુળુભા આ રાજ્યમાં જ લાભ શોધે છે, તે લાભનો તેને આ માર્ગ દેખાડો. મુળુભાના કોમળ હૃદયમાં હાલ ભૂત નાચે છે તેને આ શીશીમાં ઉતારો. મને દૂર કરવાને નિમિત્તે આપ, મુળુભા, ખાચર, અને અંતે મહારાજ – સર્વ એક પંક્તિમાં બેસી જાવ અને ધારેલો સંધિ સાંધો.”

સામંત – “પણ એજંટનું શું કરવું ? અને સર્વને અંતે નિરાશ થયલા ખાચર અને મુળુ તમારા સર્વના સામા બમણા ક્રોધથી કુદશે એટલે આજ કરવાનો વિચાર વધારે કઠણ થઈ પાછો એવો ને એવો ઉભો ર્‌હેશે. તે વિચાર્યું?”

જરાશંકર – “એજંટનો વિચાર એટલો કે આપણે અને ખાચર એક થઈશું એટલે એ પડશે જુદો. આ એના નામનો પત્ર આપના હાથમાં છે તે એનો હોય કે ન એ હોય. એનો ન હોય અને આપણે છેતરાતા હઈએ તો એ પત્ર ઉઘાડો કરવાથી અને એને માથે આરોપ મુકવાથી એને આપણને નુકસાન કરવાનું ઘણી રીતે સાધન મળશે. એ પત્ર એનો હશે તો એ કબુલ કરવાનો નથી, અને એના ઉપરીઓ પાસે એ સાચો અને આપણે જુઠા, એટલે એ પત્ર એનો ન હોય ને નુકસાન થાય તેટલું જ નુકસાન. એનો હોય અને એ કબુલ કરે તો પણ હું લાભ દેખતો નથી. એ પત્રમાં એ આપણા ઉપર આરોપ મુકે છે અને એ પત્ર એના હાથમાં મુકી આપણે એના આરોપી ઉઘાડી રીતે થઈ બળવાન શત્રુ સાથે ઉઘાડું યુદ્ધ માંડી એના જ ઉપરીઓ પાસે ન્યાય માગવા જવું, જીતીને કાંઈ લેવાનું નહી ને હારીને ખોવાનું બધું: એ માર્ગ ઈશ્વર આપણા ઉપર બળાત્કારે નાંખે ને લેવો પડતાં ઉગરવા યુદ્ધ કરવું પડે એ જુદી વાત. પણ જાતે જ એ માર્ગ શોધી લેવો એ તો - આવ કુહાડા પગ