પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૯

ઉપર - જેવું થાય. એમાં જીત્યા તો આ સાહેબના પછીનો સાહેબ એના કરતાં સારો આવશે એવું માનવાને કારણ શું ? જે આવશે તે આ એના જાતભાઈનું વેર આપણા ઉપર નહીં રાખે તેની ખાતરી શી ? એ નવો માણસ વેર રાખી ફરી નવું પ્રકરણ ઉભું કરે અને આપણે બીજી વાર ફરીયાદી કરવા જવું પડે તો આપણને ફરીયાદ કરવા ટેવ પડી ગઈ એમ ગણવાનો પુરાવો આપણે આપીશું, અથવા તો જે વહુને સાસરે સઉની સાથે ન બને તો વહુનામાં પોતાનામાં જ કંઈક દોષ હોવો જોઈએ એવું અનુમાન થવાનું. સામંતરાજ, ખાચરને એની સાથે બનાવતાં આવડે ને આપણને ન આવડે તો આપણી આવડ ઓછી. આ સઉનો ઉપાય એ જ છે કે આ પત્ર ગુપ્ત રાખી મુકો, આપણે અને ખાચર એક થઈએ અને એજંટ જાતે એકલો જુદો પડી હાલ એના સામા આપણને એકલાને દેખે છે તેને સાટે એ આપણને અને ખાચરને બેને એકઠા સંધાઈ એકઠા ઉભેલા અને હાથ ઉપાડતાં જાતે જ ડરે એવું કરો. એને આપણા સંધિનો પંચ મટાડી નોંધણીદાર કરીશું, એટલું એને સારું લગાડી એના મનનું વૈર શાંત કરવાનો માર્ગ છે."

મલ્લરાજ – “સામંત, આટલું કરતાં તો તને આવડવાનું.”

સામંત – “મહારાજની આજ્ઞા થઈ તે કંઈ ન આવડવાનું નથી. હશે, એજંટનું ગમે તે થાય તેની મ્હારે પંચાત નથી. પણ મ્હારા કુળમાં ઉઠેલો અંગારો વધારે ગરમ થશે અને આજ ઉઠાડું છું તે પ્રશ્ન ફરી ઉઠવાનો તેનું શું ? મહારાજ, કશ્યપ જેવા મુનિના ઘરમાં હિરણ્યકશિપુ જેવા દૈત્ય જન્મ્યા, તેવું મ્હારે થયું છે; અને આ ઉગતા શત્રુને ઉગતો જ ડાબવો એ રાજનીતિનો ધર્મ છે. એનું બળ વધારી પછી ડાબવાનું રાખવું એ દેખીતી મૂર્ખતા છે. મહારાજ, પ્રધાનજીને અપમાન કર્યાની આપે મને શિક્ષા કરી તે મને યોગ્ય લાગી છે; અને મ્હારા અંતઃકરણમાંથી મને એ શિક્ષા યોગ્ય ન લાગી હોય તો મને ઈશ્વરની આણ છે. અહો ! એ શિક્ષા કરી આપે મને મહાદોષમાંથી બચાવ્યો છે અને જે રાજધર્મનો આપે મને એ નિમિત્તે ઉપદેશ કર્યો છે તે સારુ હું આપનો આભારી ન થઉ તો હું આપણા ઉત્તમ વંશમાં જન્મવા યોગ્ય ન હતો એવું જ ક્‌હેવું પડે. મહારાજ, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે જરાશંકર ઉપર મ્હારા મનમાં રજ પણ કલંક નથી ઉપજયું; અને આપ અને જરાશંકર ઉભયે મને