પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦

શુદ્ધ ક્ષમા જ આપી હોય તો, આપણું સૂર્યવંશમાં જ ભરતે જેવો દુષ્ટ કૈકેયીનો ત્યાગ કર્યો હતો તેમ જ, મને આ મ્હારા કુળના અંગારનો ત્યાગ અને નાશ ઉભય કરવા દ્યો. એટલું હું આપની પાસે માગી લઉછું, અને તે માગવાને ભરત જેમ રામચંદ્રજીને પગે પડ્યા હતા તેમ હું આપને પગે પડું છું અને મ્હારું હૃદય શુદ્ધ છે તેના શપથ લેઈ આપના પવિત્ર ચરણ સ્પર્શ છું.”

મહાપ્રચણ્ડ વંટોળીયો પર્વતની તળેટી આગળ પૃથ્વી ઉપર સુઈ જાય અને ક્ષણ પ્હેલાં આકાશમાં ઉભેલું એ વંટોળીયાનું શિખરચક્ર પર્વતના પાદમાં લીન થાય, તેમ આ બળવાન યોદ્ધાનું પ્રચણ્ડ ઉચું શરીર એકદમ મલ્લરાજના ચરણ પાસે દંડવત્ પ્રણામ કરવા સુઈ ગયું; સામંતના શિરનું મંડીલ મલ્લરાજના પગ ઉપર પડ્યું. એના નેત્રમાં અશ્રુની ધારા ચાલી રહી, અને એના દુઃખને ઉછળતો ઉષ્ણ નિઃશ્વાસ એનું હૃદય કંપાવતો હતો તેના ધબકારા ગદ્‍ગદ થતાં કંઠ આગળ પ્રયાણ કરતા સંભળાયા. જરાશંકર સ્તબ્ધ થઈ ગયો – પાષાણ જેવો જડ બની ઉભો. મલ્લરાજનું હૃદય ઓગળી ગયું, અત્યંત સજળ નયનથી તે વયોવૃદ્ધ ભાઈને - જુના મિત્રને – પરમ રાજભક્તને - પોતાના પગ ઉપરથી ઉઠાડવા ત્વરાથી નીચે નમ્યો, અને નમતાં નમતાં મેનારાણીના દ્વાર ભણીથી ભણકારા સાંભળવા લાગ્યો કે,

“સામંતશિરના મુકુટમણિથી પદ-પાવડી સોહાય,
“એ મણિધર૫ર ભાર ક્ષમાનો અચળ ટકાવો ક્ષ્માનાથ !
“મહારાજ ! રંક...મેના રટે તમ પા....સ !”

પડેલા બન્ધુશરીરને બળાત્કારે ઉચું કરી – તેને ફરી પડી જવા ન દેવું હોય - તેને ટેકો આપવો હોય – તેમ – મલ્લરાજ બળ કરી સામંતને ભેટી પડ્યો, અને બળવાન યોદ્ધાઓનું સ્થિર આલિંગન જોતું બ્રાહ્મણનું નેત્ર સ્થિર દૃષ્ટિ કરી રહ્યું, અને એના હૃદયમાં ઉછળતો સ્વર મુખ ઉપર સહસા ચ્હડી આવી ગાજ્યો – “મહારાજ, મહારાજ, આ રાજભક્તિ આગળ આમ દરિદ્ર બ્રાહ્મણો કાંઈ લેખામાં નથી – મહારાજ, આવા રાજભક્તનું સંતાન આજ જેટલું ઉચું ઉછળે છે એટલું જ નમ્ર થઈ આપના ચરણ પર એક દિવસ આવી જ રાજભક્તિથી પડશે - મહારાજ, મીઠા બીજનું ફળ મીઠું જ થશે. મહારાજ, અમારા જેવાં દરિદ્ર ફળને લોભે આવાં રત્નફળનાં બીજ આપની