પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫

આજ્ઞા માની, પણ પોતાના વિચાર ન ભુલાવાથી સુજ્ઞ લાગતા મિત્રને એ છેક દૂર કરી શક્યો નહીં.

મુળુનો પગ આવી રીતે વિદ્યાચતુરના ઘરમાં થોડો ઘણો રહ્યો, માનચતુરને મુળુનું મ્હોં સરખું ગમતું નહી, અને એ આવે તે પ્રસંગે વાઘની પેઠે સજ્જ ર્‌હેતો. એક દિવસ માનચતુર ઘર બ્‍હાર ગયાનો લાભ લઈ મુળું વિદ્યાચતુરને ઘેર ગયો, અને બાળક કુમુદસુંદરીને રમાડવાનો પ્રસંગ શોધી ઘરની અંદર કામ કરતી ગુણસુંદરી ઉપર દૃષ્ટિ નાંખવા લાગ્યો. ઘરના ચાકરો આઘાપાછા હતા. સુંદર કોઈ પાડોશીને ઘેર ગઈ હતી. વિદ્યાચતુર ઘેર આવ્યો ન હતો. રજપુતની દ્રષ્ટિ, વિકારથી રાતી, ચોરની પેઠે પ્રસંગ શોધતી, અને શીયાળની પેઠે અંધકારને ભેદી આગળ આવતી, લાગી. તેને છેટેથી જોતી ગુણસુંદરી અંતર્ભયથી કંપવા લાગી, અને, છેટે ઉભેલા પુરુષનો હાથ કાંકરા ઉપાડવા તત્પર થતો જોઈ ચતુર કાગડી ઉડી જાય તેમ, ઘરની પરસાળમાં ન્‍હાસી ગઈ અને પરસાળનાં દ્વાર વાસી દીધાં. પણ બાળક કુમુદ વાસ્તે તેના જીવને ગભરામણ થઈ છતાં દીકરી કરતાં કુટુમ્બલજજાને વ્‍હાલી ગણી. ઘર ઉઘાડું હતું - તેને અને દીકરીને ઈશ્વરના હાથમાં સોંપ્યાં. જાતે જરાક શાંત થતાં એ સઉ નિર્ભય લાગ્યું અને પોતાને પરસાળમાં સંતાઈ ર્‌હેવું ઉચિત લાગ્યું - માત્ર એક કાણામાંથી બહાર દ્રષ્ટિ રાખવા લાગી. કુમુદને પાછી આપવાને નિમિત્તે મુળુ ઘરની અંદર આવી ફરવા લાગ્યો. આમ તેમ શોધવા લાગ્યો, અને એટલામાં માનચતુર બ્‍હારથી આવી દ્વારમા પેંઠો.

માનચતુરે કુમુદને મુળુભાના હાથમાંથી લેઈ લીધી; અને ચારે પાસનો દેખાવ જોઈ ગુણસુંદરીની અવસ્થા કલ્પી, ભવિષ્યમાં આ પ્રસંગ ન આવે અને રાજપુત્રની સાથે દેખીતો વિરોધ ન થાય એવું વચન રચ્યું.

“મુળુભા, આપ મ્‍હોટા ઘરનું છોરુ તે આ ગરીબ ઘરમાં આવો ત્યારે અમારે ત્યાં કંઈ કંઈ ગુંચવારો થાય અને લોકમાં આપને ન્‍હાનમ લાગે. માટે વિદ્યાચતુરનું કામ હોય તો આપ એને સંદેશો મોકલશો તો તરત આપને મળવા આવશે અને દરબારમાં તો નિત્ય આપને વગર તેડ્યો મળી શકશે. માટે આપ અત્રે આવવાનો શ્રમ લેવા કરતાં