પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮


“વંઠેલાને ઉંડે કુંપે એ ઉતારે,
“પુરાણીનાં પોથાં પાણીમાં પલાળે ! જોજો૦
“મ્હોટા મ્હોટા જોગીને જાળમાં નાંખે,
“જ્ઞાનીઓની આંખે પાટા તાણી બાંધે ! જોજો૦
“ઋષિ મુનિ એના થકી ભુરકાયા,
“કામણ કરે નારી તણી ગંદા કાયા– જોજો૦
“હડહડતો અા આવ્યો છે કળિકાળ,
“સતીએ ઉતરી ગઈ પાતાળ ! જોજો૦
“વ્યભિચારિણી આજ થઈ જોગમાયા,
“એની દૃષ્ટિએ જે પડ્યા તે ફસાયા ! જોજો૦
“બ્રાહ્મણભાઈના મંત્ર થયા એનાં તંત્ર,
“રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર ! જોજો૦

બ્રાહ્મણ આમ ગાતો હતો ત્યાં તેની સામે એક જણ ગયો અને એને ખભે હાથ મુકી કહેવા લાગ્યો–“ અલ્યા, ત્હારા ઘરમાં પણ એવાં જોગમાયા છે કે ? – હોય તો કહેજે – ” આ સાંભળી બ્રાહ્મણને ક્રોધ ચહડ્યો અને યુદ્ધ જાગ્યું. તેનો કોલાહલ અતિશય થયો; “હો હો” કરતા છોકરાઓ એની પાઘડી ઉછાળવા લાગ્યા, એ ટોળામાંથી બ્રાહ્મણને છોડવી, પોતે છુટી, મુળુ એકલો ચાલ્યો અને વિચારમાં ને વિચારમાં બોલવા લાગ્યો–

"રાણીજાયાપાસે એ પાણી ભરાવે..................
"રજપુતનાં શસ્ત્ર બન્યાં એનાં જંત્ર !”

“ખરી વાત ! – ના, ના, સ્ત્રીઓમાં હતી તેવી ને તેવી સતીઓ હજી છે, પણ અમે રજપુત જ બગડ્યા.” શાંત પડી મનમાં બોલવા લાગ્યો: “ મ્હારા જેવો મૂર્ખ કોઈ નથી કે ખરો માર્ગ મુકી ખોટે માર્ગે દોરાયો. યુદ્ધ તે સરખે સરખાનું. આ જરાશંકર અને વિદ્યાચતુર તે કોણ? – હું - બીચારા બુમણા પ્રધાન તે રાજાના દાસ. એવા હલકાઓના ઉપર મ્હારા મનમાં વેર થયું ને એવા હલકાઓ સાથે યુદ્ધમાં ઉતર્યો એટલે આવું હલકું યુદ્ધ કરવું પડ્યું.”