પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯

“પ્રધાન ઉપર વેર લેવાનું બીજે રસ્તે ન ફાવતાં આ હલકું કામ સુઝ્યું, તેમાં ફાવ્યા હત તો પણ ફળ કાંઈ નહી, ને એ ન ફાવ્યા તેમાં આ આબરુ ગઈ. ખરી વાત છે પોતાના જેવા સાથે લ્હડવું.”

વિચારમાં પડી ચાલ્યો. થોડે છેટે ગયા પછી નવો વિચાર સુઝતાં પૃથ્વી ઉપર એક હાથ કુદ્યો અને મુછે હાથ દેઈ હસ્યો. મહા ઉલ્લાસથી મનમાં બોલ્યો;

“બ્રાહ્મણોએ કર્યો શાસ્ત્ર તે રજપુત તોડે, મ્હારા દાદા નાગરાજથી બે વરસ ન્હાના એટલે અમને ગાદી ન મળે ! એ પેલા ધુતારા બ્રાહ્મણોનું શાસ્ત્ર. દાદો બે વરસ મોડો જન્મ્યો તો પોતરો[૧] વ્હેલા જન્મેલાને ન જન્મેલા કરે એમ ક્યાં નથી ? આ નકામો બાયલો મણિયો જીવતો ન હોય તો મુળુ એને ઠેકાણે રાજા ! તરવારના એક ઘાનું કામ ! આ બ્રાહ્મણો સાથે નકામી માથાકુટ કરવા કરતાં રજપુત રજપુતાઈ કેમ નહી કરે ? રાજ્યને સુધારવા રજપુતાઈ કરતાં કોનો ડર છે ! રાજા થવાને યોગ્ય હોય તે રાજા થાય !”

દુર્ભાગ્યની ઘડીમાં કરેલા એ વિચારે જુવાન મુળુનું મસ્તિક ફેરવ્યું અને વંટોળીયે ચ્હડાવ્યું. મણિરાજનું વય બાલ્યાવસ્થા ત્યજતું હતું અને તેને રત્નગરીનાં મહાન અરણ્યોમાં મૃગયાની દીક્ષા આપવામાં તરત જ આવી હતી. તેની સાથે બીજા રાજપુત્રોને મોકલવામાં આવતા હતા. આ પ્રસંગ અને સહવાસનો લાભ લઈ મુળુએ મણિરાજનું ખુન કરવાનો યત્ન આરંભ્યો, પુત્રનો વિશ્વાસ પામેલા પિતાને આ યત્ન જાણતાં - પકડતાં - વાર ન લાગી. સામંતે એકદમ મુળુને કેદ કરી, તેને બેડીએ જડી, પોતાના ઘરમાં એક ઓરડામાં પુર્યો. એને પાકા કબજામાં રાખી વચનબદ્ધ રાજા પાસે પોતાના પુત્રના નાશનું વરદાન લેવાનો પોતાનો નિશ્ચિત અધિકાર ગણી રાજભક્ત પિતા રાજમન્દિર ભણી ચાલ્યો. પુત્રની દુષ્ટતાની પરીક્ષા એણે પ્રથમથી કરી હતી એટલે આજ એને કાંઈ નવી શોધ કર્યા જેવું આશ્ચર્ય વસતું ન હતું પણ એ પરીક્ષાનું ફળ આજ સુધી રાજાએ ન આપ્યું તે હવે હાથમાં આવ્યું


  1. પૌત્ર