પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦

સમજાયું. પોતાના ઘરમાં સળગેલા કુલાંગારનું આયુષ્ય ખુટ્યું સ્પષ્ટ થયું. પોતાના રાજાના શત્રુનો નાશ નક્કી ગણ્યો. બાળક મણિરાજને નિષ્કંટક કરવાનો અભિપ્રાય સિદ્ધ થશે જાણી સામંતને આનંદ વ્યાપી ગયો. પોતાનો અભિપ્રાય સત્ય થયો જાણી એને યોગ્ય ગર્વ ચ્હડ્યો. દુષ્ટ પુત્રને શત્રુ ગણી તેનો વધ ઈચ્છતાં પોતાના હૃદયમાં કાંઈ પણ ખેદ થાય કે મૃદુતા જણાય એવો અનુભવ કે આભાસ ક્ષત્રિય પિતાને રજ પણ થયો નહીં. પ્રાતઃકાળે ભૂ-નભની સંયોગરેખામાંથી નીકળી, પળવાર નગ્ન દેખાઈ પોતાનાથી જન્મ પામેલા મળસ્કાનો નાશ કરવા સૂર્ય જેમ ઉગ્ર તેજથી અને વેગથી ઉંચો ચ્હડતો ભભુકતો લાગે તેમ આ પ્રસંગે ઘર છોડી રાજમંદિર ભણી અત્યંત ઉત્સાહથી અને વેગથી સામંત પગલાં ભરવા લાગ્યો.

સામંતે મલ્લરાજ પાસે ફરીયાદી કરી. મલ્લરાજે તે શાંત ચિત્તથી સાંભળી, સામંતે મુળુને શિક્ષા કરવાનું માગણું કર્યું. મલ્લરાજે કહ્યું કે તેનો વિચાર થશે. “આવો સ્પષ્ટ વાતમાં વિચાર શો ?– આથી મ્હોટો અપરાધ શો? – આપે મને આપેલું વચન સત્ય કરો,” એમ સામંતે ઉત્તર આપ્યો. મલ્લરાજે વિચાર કરી જરાશંકરને આજ્ઞા કરી કે “આ વાતનો નિર્ણય કરવાને ભાયાતોની પંચાયત નીમવા મ્હારો કરેલો ઠરાવ છે તે તને અને સામંતને ખબર છે – તે વાંચી ક્‌હાડો, તે પ્રમાણે પંચ નીમો, અને તેની પાસે મુળુનો ન્યાય કરાવો.”

સામંત – “તો શું આપ ન્યાય નહી કરો ? અપરાધના પ્રસંગોમાં એ પંચ નીમવાનો ઠરાવ નથી.”

મલ્લરાજ - “એ ઠરાવ વાંચજે, 'રાજય સાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા' એવો ઠરાવ છે. મણિરાજની વાતમાં મ્હારે ન્યાય ચુકવવો પડે તે ઠીક નહીં. મ્હારો કરેલો ન્યાય સ્વીકારવો હોય તો આ ફરીયાદ કરવી છોડી દે અને મુળુને છુટો કર.”

સામંત - “હવે છુટશેઃ આવતે અવતાર, મ્હારી સાથે વચનથી બંધાયા છો.”

મલ્લરાજ - “તો જે વચનથી તું અને ભાયાતો બંધાયા છે તે ઠરાવ પ્રમાણે ન્યાય થશે.”

સામંત - “તે તેમની ઈચ્છા પ્રમાણે શિક્ષા પણ થશે, અને એ ઠરાવ પ્રમાણે પંચમાં મને પણ બેસવાનો અધિકાર છે.”

મલ્લરાજ - "તું તટસ્થ નથી – ન્યાય કરવા અયોગ્ય છે. તું ફરીયાદી કરનાર છે ?