પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩

અને મ્હારી આશાઓ પડી ન ભાગે તે સર્વનો વિચાર ત્હારી સાથે કરી કાલનો સૂર્ય ઉગતાં તેનો અમલ કરીશું.”

મુળુને યોગ્ય ઠેકાણે વશ રાખી સામંત પાછો આવ્યો. રાજા, પ્રધાન, અને રાજબન્ધુ, એ ત્રિપુટી વચ્ચે રાજવંશનું ભવિષ્ય ચર્ચાવા લાગ્યું.

મલ્લરાજ – “જરાશંકર, ભાયાતોએ ચુકવેલો ન્યાય તો જાણ્યો. તેમને મ્હેં ન્યાયનો અધિકાર આપ્યો છે, શિક્ષાનો આપ્યો નથી. તેમણે સૂચવેલી શિક્ષા અત્યંત લાગવાથી મને રુચતી શિક્ષા મ્હેં બતાવી છે. એ શિક્ષા કેવી રીતે આચારમાં આણવી તેની ચર્ચા કરવી.”

સામંત – “મહારાજ, ઓછી શિક્ષા આપ બતાવો છો તેનું કારણ જાણવા મને અધિકાર છે.”

મલ્લરાજ – “હા, મુળુના દેખતાં મ્હેં કારણ કહ્યું તે ત્હેં સાંભળ્યું.”

સામંત – “પણ મને તેથી સંતોષ વળ્યો નથી. શત્રુનો નાશ કરવાને પ્રસંગે તેનું પોષણ કરવું એ ઉદારતામાં મૂર્ખતા છે. આ સર્પને દુધ પાવું યોગ્ય નથી. તે બ્હારવટે નીકળશે : આપણી પ્રજામાં, આપણા ભાયાતોમાં, અને અંતે ઈંગ્રેજ અધિકારીઓમાં – આ દુષ્ટ રાક્ષસ મિત્રતા કરશે અને આ રાજ્યને માથે અનેક શત્રુઓ ઉભા કરશે. મહારાજ, હું સ્પષ્ટ કહું છું કે આ દુષ્ટ હવે જીવવાને યોગ્ય નથી. રાજ્યને વિષ દેનારને માટે મરણની સજા પણ ઘણી ન્હાની છે.”

મલ્લરાજ – “ભાયાતોને હાથ ભાયાતોનો ન્યાય કરાવવાનો માર્ગ આપણે ઈંગ્રેજોને માટે જ ક્‌હાડ્યો છે તે તને યાદ હશે.”

સામંત – “ હા.”

મલ્લરાજ – “ભાયાતોને એ ધર્માસનનો અધિકાર આપ્યો તે રાજ્યઅંગને કવચ પ્હેરાવવા.”

સામંત – “ હા.”

મલ્લરાજ – “ભાયાતો ઈંગ્રેજ દ્વારા રાજ્ય અંગ ઉપર ઘા કરે ત્યારે આ કવચ સમર્થ રક્ષણ કરી શકે તેને માટે જ ભાયાતોની સંમતિ લેઈ આ કવચ ઘડેલું છે.”

સામત – “હા.”

મલ્લરાજ – “તો ઈંગ્રેજ અને મુળુ ઉભયનાથી જેટલા કરાય એટલા ઘા તે કરશે તેમ તેમ કવચનું બળ જણાશે, અને કોઈ સ્થળે છિદ્ર