પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪

હશે તો તે પણ જણાશે. અને તે છિદ્રનો ઉપાય કરવામાં સામંતનું મલ્લરાજને સહાય્ય છે.”

સામંત – “એ બધાની હા. પણ આવ કુહાડા પગ ઉપર એમ કરવાનો માર્ગ મને ગમતો નથી.”

મલ્લરાજ - “હાલ એ કુહાડાથી આપણો પગ બચશે; પણ હું, તું, કે મણિરાજ કોઈ ન હોઈએ તે કાળે જેને આપણે રાજ્યનો શત્રુ ગણીએ છીએ તે રાજયનું છત્ર થઈ શકે એમ છે – એ છત્રનો દંડ મૂળ આગળથી તોડી પાડવો એ રાજ્યના શત્રુનું કામ છે.”

ઘણી ચર્ચા કરતાં અંતે મલ્લરાજના વિચારની યોગ્યતા સ્વીકારાઈ. મુળુને ગમે તે રાજાના રાજ્યમાં રહી તેણે આયુષ્ય પૂર્ણ કરવું, ત્યાં એના પોષણ યોગ્ય દ્રવ્ય દર વર્ષે મોકલવું, એના પોષણનું સાધન થવા અપાતું દ્રવ્ય કુમાર્ગે વપરાય નહીં એટલું વધારે ન થાય એવી રકમ આપવી, સામંતના આયુષ્યને અંતે એનો સર્વે ગ્રાસ રાજ્યમાં જપ્ત કરવો, આ પ્રમાણે મુળુના આશ્રય માટે ઠરાવેલા રાજાનું રાજ્ય છોડી મુળુ બ્હાર નીકળે અથવા રત્નનગરીના રાજ્ય વિરુદ્ધ વર્તણુક દેખાડે તો આમ અપાતું દ્રવ્ય બંધ કરવું, રત્નનગરીના રાજ્યની એ હદમાં આવે તો એને કેદ કરવો અને એનું બાકીનું આયુષ્ય પુરું થાય ત્યાં સુધી એને કેદ રાખવો, અને મણિરાજ ગાદી ઉપર બેસે અને મણિરાજનું મન પ્રસન્ન થાય તો મુળુની આ સર્વ શિક્ષામાંથી ગમે તેટલીની મણિરાજ ક્ષમા આપે – આ પ્રમાણે શિક્ષા નિર્ણીત થઈ અને મુળુની ઈચ્છા પ્રમાણે તેને રાણા ખાચરના રાજ્યમાં મોકલી દીધો અને શિક્ષાપત્ર ઉપર ભાયાતોના પંચે अत्र मतम् (“અત્ર મતું”) લખ્યું.

મુળુ રાજ્યમાંથી ગયો. પણ અનેક જાતનો ઉચાટ પાછળ મુકતો ગયો. એજંટને કાન એને બ્હાર મોકલ્યાના સમાચાર ગયા, એણે મલ્લરાજ ઉપર પત્ર લખી ખરા સમાચાર મંગાવ્યા. પત્ર જોતાં સામંતે મુળુને માથે આરોપ મુક્યો કે એણે એજંટને ત્યાં ફરીયાદ કરેલી હોવી જોઈએ. એ પત્રના ઉત્તરમાં રત્નનગરીથી પત્ર ગયો તેમાં સામું પુછવામાં આવ્યું કે આ સમાચાર તમે કોની પ્રેરણાથી મંગાવો છો, શા કારણથી મંગાવો છો, અને શા અધિકારથી મંગાવે છો. ઉત્તર આવ્યો અને એજંટે લખ્યું કે એ સમાચાર અમે અમારી પોતાની ઈચ્છાથી મંગાવીએ છીએ, મુળુના સમાચાર સત્ય હોય તો તે બ્હારવટે નીકળે એવો સંભવ છે, તે તેમ કરે તો દેશની શાંતિને ભય, એ ભય દૂર રાખવાનો અધિકાર સર્વ