પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫

રાજાઓની ચક્રવર્તીની સત્તાના ચક્રવર્તિત્વને અંગે સમાયલો છે, અને એ અધિકારનું પોષણ કરવામાં રાજાઓ, પ્રજાઓ અને ચક્રવર્તિનો એક સ્વાર્થ છે. અંતે એજંટે મલ્લરાજને વિજ્ઞાપના કરી લખ્યું કે પોતાને આપનો મિત્ર સમજું છું અને તે મિત્રતાના અધિકારથી સૂચના કરું છું કે સરકારનો આ અધિકાર સ્વીકારવામાં આપના જેવા સદ્‍ગુણી રાજાઓને કાંઈ પણ ભય નથી, એ અધિકાર ન સ્વીકારવામાં આપના ઉપર વિના કારણ, શંકા ઉભી કરવાનું બીજ છે, અને એ અધિકારનો સર્વત્ર સ્વીકાર કરાવવા, સરકારની શક્તિ છે તે આપને વિદિત છે, અને ઈચ્છા છે તે હું આપને વિદિત કરું છું.

આ પત્ર વંચાતાં મલ્લરાજ ગાજી ઉઠ્યોઃ “રાજાઓના પંચનું રૂપ આ એજંટે ધારણ કર્યું હતું - હવે રાજાઓના ફોજદારનું અને હવાલદારનું રૂપ એણે ધરવા માંડ્યું ! જરાશંકર ! આ ત્હારી રાજનીતિનું ફળ ઉગી નીકળ્યું.

જરાશંકરના કાન મહારાજ ભણી હતા અને આંખ સામંત ભણી હતી. આટલા અનુભવ પછી સામંત આજ કેવું રૂપ ધરે છે તે જાણવા એને આતુરતા થઈ અને મલ્લરાજને ઉત્તર દેવા પ્હેલાં પળવાર સામંત ભણી જોઈ રહ્યો. સામંત તે કળી ગયો, અને પ્રથમ પેઠે ગર્જવાનું છોડી દેઈ ગંભીર સ્વરે બોલ્યો.

“મહારાજ, પ્રધાનની જે રાજનીતિ ઉપર આ ફળનો આપ આરોપ મુકો છે તે જ નીતિમાં એનો પ્રતિકાર પણ સમાયલો છે.”

“શું સામંત, રાજાને છોડી પ્રધાનના રથમાં બેસી ગયો ? – સામંત, હું જાગું છું કે ઉધું છું ? આ - તું -?” મલ્લરાજ અતિ આશ્ચર્યમાં પડી, નેત્ર વિકસાવી લાંબો હાથ કરી, સામંત સામું જોઈ રહ્યો અને બોલ્યો.

સામંત કંઈક હસ્યો અને બોલ્યો: “મહારાજ, આપ નિદ્રામાં છો એમ તો મ્હારાથી કેમ ક્‌હેવાય ? પણ આ રાજનીતિનો વિષય આજ સુધીમાં જ્યારે જ્યારે ચર્ચાયો હશે ત્યારે હંમેશ આપ અને હું પ્રથમ એક પક્ષમાં રહી અનુશ્રુત્વ સ્વીકારતા, પણ આપ બ્રાહ્મણ બુદ્ધિના પ્રવાહમાં અંતે ભળી જતા અને પક્ષ બદલતા ત્યારે હું મ્હારા અસલ પક્ષમાં કાયમ ર્‌હેતો. આપે આપેલા અનુભવે ઘણે કાળે આજ મ્હારો એ અભ્યાસ છોડાવ્યો છે, અને આપ અંતે જે પક્ષમાં ભળવાના તે પક્ષને હું આરંભથી જ વળગું છું.”