પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬


મલ્લરાજ ખડખડ હસી પડ્યો. “સામંત, ત્યારે મ્હેં તને કરેલી શિક્ષા ત્હેં સફળ કરી. પણ એ શિક્ષા સફળ રાખીને ત્હારો ખરો અભિપ્રાય ક્‌હે. મ્હારો અભિપ્રાય એવો ન હતો કે ત્હારે ત્હારો અભિપ્રાય સંતાડવો.”

સામંત – “મહારાજ, આપના કે કોઈના ભયથી અસત્ય બોલું તો હું આપનો બન્ધુ થવા યોગ્ય નથી. મહારાજ, આપે આપેલા દેશવટાના અવકાશમાં શાંત ચિત્તે વિચાર કરતાં પ્રધાનજીની રાજનીતિમાં તેમનો અંત:કરણથી શિષ્ય થયો છું; અને તેથી જ એમની રાજનીતિ ઉપર આપે મુકેલા આરોપમાંથી એમને મુક્ત કરવા જેટલી છાતી ચલાવી શકું છું.”

મલ્લરાજ –“શી રીતે ?"

સામંત –“મહારાજ, નિર્વાહકાળની નીતિ પ્રધાનજીએ આપની પાસે સ્પષ્ટ કરી છે. નવા ભોજન ઉપર બેઠેલી સરકારને હવે ઘણી ઘણી ઈચ્છાઓ થશે, કેટલીક ઈચ્છાઓ ન્યાયે કે અન્યાયે, બળે કે કળે, તૃપ્ત કરવા સરકારને આગ્રહ થશે; એ આગ્રહ સામે આપણે શસ્ત્રયુદ્ધ કરવાનું નથી, અને લેખયુદ્ધથી પાણી વલોવવા જેવું થશે, બળવાનની સાથે નકામો વિરોધ થશે, વિરોધે વિરોધે હાર થશે, અને હારે હારે તેમને મન હારેલા શત્રુમાં લખાઈશું, આપણા મનમાં અપમાન લાગશે, બીજાઓની પાસે પ્રતિષ્ઠા જશે અને વાર્યા નહી કરીયે તે હાર્યા કરીશું. મહારાજ, આત્મવિડંબના જાતે ઉભી કરવી મને કંઈ ઠીક લાગતી નથી. એ મૂર્ખતા કરતાં રાજ્ય છોડવું સારું.”

મલ્લરાજ – “ત્યારે શું કરવું ?”

સામંત – “આપણા બોલ્યા કે લખ્યાથી સરકાર પોતાની ઈચ્છા ફેરવે એવો સંભવ લાગે ત્યારે જ સરકારની સામે લેખયુદ્ધ કરવું. અને મિત્રભાવે તેમની પાસે જે સાકર વટાય તે વાટવી અથવા કડવા થવાથી ફળ લાગે ત્યાં કડવા થઈ લ્હડવું. પણ સરકારને કોઈ વાતની ઈચ્છા થઈ જણાય તો પ્રથમ એટલો વિચાર કરવો કે આ ઇચ્છા અંતે અનિવાર્ય છે કે નિવાર્ય છે અને એટલો વિચાર કરી નિવાર્ય ઈચ્છાઓમાં સામા થવું અને અનિવાર્ય ઈચ્છાઓ વગર બોલ્યે સમજી જવી, અને જે ઈચ્છાઓને આજ્ઞા ગણી શત્રુ બની પાળવી પડે તે ઈચ્છાઓ મિત્રરૂપે તૃપ્ત કરવી અને મ્હોટાને ઉપકારવશ કરવા, મહારાજ, જુના કાળના પાણીમાં તરેલા મ્હારા અને આપના જેવાં માછલાંઓને આ વાત ગમવાની નથી - મને પોતાને એ કરવા કરતાં મરણ વધારે મીઠું લાગે છે. પણ