પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭

મહારાજ, રાજાઓના અને ક્ષત્રિયોના સ્વભાવ કરતાં તેમના ધર્મ મ્હોટા છે અને કાળબળના ભાર તળે ડબાયલા ચંપાયલા હાથ ક્‌હાડી લેતાં અથવા ન નીકળે તો તેનું દુઃખ સહેતાં કષ્ટ વેઠવું એ રાજધર્મ મ્હોટો છે.”

સામંતના સ્વભાવ અને વિચારમાં થયલો ફેર જોઈ જરાશંકરને હર્ષનાં આંસુ આવ્યાં, તેનો કંઠ ગદ્‍ગદ થઈ ગયો, અને ઘણુંક બોલવાનું હૃદયમાં ભરેલું છતાં તે એક સ્વર ક્‌હાડી શક્યો નહી.

મલ્લરાજ સામંતનાં વાક્યમાં લીન થઈ ગયો અને પ્રધાનને ભુલી જઈ સામંત સાથે જ બોલવા લાગ્યો:

“સામંત, આજ પ્રધાનના કરતાં ત્હારાં વચન મને વધારે અનુભવવાળાં લાગે છે, અને એ વચન પ્રધાનને મીઠાં લાગશે. તો ક્‌હે કે સરકારે આપણું ઘર તપાસવા મોકલેલા આ ફોજદારનું શું કરવું ? સરકારની એવી પણ ઈચ્છા હશે કે એમનાં કુતરાં આપણા ઘરમાં આવી ભસવા લાગે ત્હોયે આપણે પથરા મારી તેને દૂર ન કરીયે ? સરકારની એવી એવી ઈચ્છાઓને તે નિવાર્ય ગણવી કે અનિવાર્ય ગણવી?"

આ વાકય બોલતાં બોલતાં મલ્લરાજનાં નેત્ર રાતાં થઈ ગયાં અને એને સ્વેદ થઈ ગયો. ક્ષત્રિય સ્વભાવની અનુકમ્પા કરતો ક્ષત્રિય બોલ્યો, “મહારાજ, આપે જન્મ ધરી આજ્ઞા કરવી જાણી છે – આજ્ઞા ઉપાડવી જાણી નથી – તેનાથી આ અવસર સ્‌હેવાય એવો નથી પણ દીલ્હીના પાદશાહો અને સુબાઓ અને પુનાના પેશવાઓ અને તેના અધિકારીઓ રાજાઓના ગઢ આગળ આવી બળાત્કાર કરી આજ્ઞાઓ તરત પળાવતા તેને ઠેકાણે આજ એવું માનો કે આઘેની છાવણીઓમાં સેનાઓ સંતાડી રાખી સરકારના એ એજંટો એ જ સેનાઓને બળે આપની પાસે બળાત્કારે આજ્ઞાઓ પળાવવા ઈચ્છે છે. એ બળાત્કાર આગળ ટકવાના સાધન વિનાના રાજાઓએ એ બળાત્કારને વશ થવું અને જવા બેઠેલા રાજત્વમાંથી જેટલું હાથમાં રહે એટલું રાખવું - એ તો રાજ્યના ઘોડાઉપર નાંખેલા જીનનું એક પાસનું પેંગડું છે અને આપ સિંહાસને ચ્હડયા ત્યારથી આપે તેમાં પગ મુકેલા છે.”

આ વચન સાંભળતો સાંભળતો મલ્લરાજ નરમ થયો અને તેના પ્રતાપી કપાળમાં કંઈ કંઈ વિચારની કરચલીયો પડી ચાલી ગઈ.

"સામંત, તું ક્‌હે છે તે ખરું છે, ઈંગ્રેજની સાથે જ્યારે જ્યારે સન્ધિ થયેલા ત્યારે તું આજ ક્‌હે છે તે બધી વાતો કરવી પડશે એ