પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮

મ્હેં ધારેલું હતું. પણ ખરું પુછે તો હવે મ્હારા શરીર તેમ જ મન ઉપર વૃદ્ધાવસ્થાનું બળ વધે છે અને મ્હારી સ્મરણશક્તિ અને બુદ્ધિ દિવસે દિવસે બ્હેરી થતી લાગે છે, વૃદ્ધાવસ્થાએ ત્હારી બુદ્ધિને સતેજ કરી ને મ્હારી બુદ્ધિમાં ઝાંખ ભરવા માંડી છે. જરાશંકર, સામંતનું બળ તને પ્રતિકૂળ હતું ત્યાં સુધી ત્હારા રક્ષણને અર્થ મ્હેં રાજ્યભાર મ્હારે માથે રાખ્યો હતો. હવે ત્હારા રક્ષણનો પ્રસંગ નથી.”

“સામંત તને અનુકૂળ છે – પ્રતિકૂળ નથી. મણિરાજ બાળક છે. એ બાળક છે તે ભાર ઝીલે એમ નથી. હું વૃદ્ધ થયો તે ઝીલી શકતો નથી. તું અને સામંત આજથી આ રાજચિન્તાના પ્રવાહને સંભાળજો. મને પરમાત્માના વિચાર કરવા દ્યો.”

સામંત અને જરાશંકર ઉભયનાં હૃદય આ વાક્યથી ભરાઈ આવ્યાં અને તેમનાં નેત્રમાંથી આંસુ નીકળવાં બાકી રહ્યાં. થોડીક વાર સુધી કોઈ બોલી શક્યું નહી. અંતે સામંત પોતાની આંખો લ્હોતો લ્હોતો બોલ્યો :

“મહારાજ, આટલાં વર્ષ સુધી જે મહાન વડના છત્રની છાયામાં રહી અમે કામ કરેલું છે તેનાથી એ વડના જેવી છાયા આ રાજ્ય પામે એ અશક્ય છે. મહારાજ, અમે રાજ્યનાં અંગ આપની આજ્ઞા ઉપાડવા સમર્થ છીએ – આપ રાજ્યનો આત્મા છો ને તેનાથી જ રાજ્ય સચેતન છે તેવું ચેતન રાજ્યમાં મુકવા અમે સમર્થ નથી.”

મલ્લરાજ બેઠેલો હતો તે ઉઠ્યો, એનું પ્રચણ્ડ શરીર રાજમ્હેલના મહાન્ સ્તંભ જેવું લાગવા માંડ્યું. પણ આજ સુધી તેમાં શૌર્ય અને ઉદ્રેકની તીવ્રતા હતી, તેને ઠેકાણે વિરક્તતા અને ઉદાસીનતા ઠરેલી લાગી. એના મુકુટમણ્ડીલમાંથી રાજલક્ષ્મીને ક્‌હાડી મુકી તેને સ્થાને ધર્મવાસના ચ્હડી ગઈ હોય અને તેનો રસ આખા મુખારવિંદમાં ઉતરી ગયો હોય તેમ મલ્લરાજના કપાળમાં સંસાર સરી ગયો લાગ્યો, નેત્ર ઉઘાડાં હોવા છતાં અંતર્વૃત્તિ પામતાં દેખાયાં, કાન કાંઈ અવ્યક્ત સ્વર સુણવા તત્પર ભાસ્યા, અને મુખપુટને આ સંસારમાં બ્હાર ક્‌હાડવા જેવો કાંઈ અક્ષર ન જડતો હોય તેવી કાન્તિ થઈ ગઈ. આ નવું સ્વરૂપ ધરી ઉભો થયલો મલ્લરાજ કેઈ દિશાએ જવું તેનો વિચાર કરતો જણાયો. એ ઉભો થયો તેની સાથે સામંત અને જરાશંકર પણ ઉભા થયા, અને રાજાના મનની કૂંચી અચીંતી હાથ લાગી હોય