પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦

ગણે છે અને રાજાના કે પ્રજાના હિતાહિતનો વિચાર કરતા નથી અને વિચાર કરે છે તો તે બેધડક બોલી દેતા નથી, અને દ્રવ્ય અને સત્તાની લાલચે સ્વામીને છેતરે છે, તેની પાસે અસત્ય બોલે છે, અને તેની દુષ્ટ ખુશામત કરી તેને મનમાંથી મૂર્ખ ગણે છે. આવા રાજ્યદ્રોહી પ્રધાનો રાજા અને પ્રજા ઉભયના શત્રુ છે. મહારાજ, આવા પ્રધાનની વાસના આવતાં રાજાએ તેને ગટરમાં ફેંકી દેવો.”

મલ્લરાજ – “પણ જરાશંકરે પોતાની વાત મને બેધડક ક્યાં કહી ! એણે તો આડે અવળે રસ્તે મને લીધો, છેતર્યો, અને મ્હારા વચનથી મને બાંધી કેદ કરી હવે પોતાનું ધાર્યું મ્હારી પાસે કબુલ કરાવે છે.”

સામંત – “તે બરાબર કરાવે છે. રાજાઓ પાસે બેધડક વાત કરવી એટલે માને બાપની વહુ કહી દેવા જેવું કરવાનું નથી. મહારાજ, મ્હેં આપની પાસે ઘણી વાતો બેધડક કરી દીધી છે પણ માને બાપની વહુ કહ્યા જેવું કરેલું છે. ત્યારે પ્રધાનજીએ આપની પાસે સત્ય વાતને પ્રિય રૂપ આપી કહી દીધી છે – એ એમની ચતુરતા અને મ્હારી મૂર્ખતાનાં દૃષ્ટાંત, સત્ય, હિત અને પ્રિય બોલવું એ રાજસેવકનું કામ છે.”

મલ્લરાજ – “ત્યારે તો એ અસત્ય ને પ્રિય પણ બોલે.”

સામંત – “કોઈ શાસ્ત્ર એમ નથી ક્‌હેતું કે અસત્ય બોલે. માત્ર સત્ય, હિત, અને પ્રિય બોલવું એ આપણાં શાસ્ત્ર બોલે છે; તેનો અર્થ મને તો એવો લાગે છે કે અસત્ય તો કદી પણ બોલવું જ નહીં, જે વાત સત્ય હોય પણ હિત અથવા પ્રિય ન હોય તે ન બોલતાં મૌન રાખવું, અને જે વાક્ય સત્ય અને હિત હોય પણ પ્રિય ન હોય તે વાક્ય કદી પણ ન બોલવું એમ ન કરવું; પણ પ્રધાનની પ્રધાનતા ક્યારે કે ગમે તેવી ચતુરાઈ કરી સત્ય અને હિત વાક્ય રાજાને પ્રિય થાય એવી યુક્તિ કરે અને તેને પ્રિય કરી દઈ અંતે રાજાને એ વાક્ય કહી દે.”

મલ્લરાજ – “કેમ, જરાશંકર, આ વાત ખરી ?”

જરાશંકર – “સામંતરાજ જેવા ચતુર વકીલ મળે તે છતાં રંક બ્રાહ્મણ બોલકણો બને તો બરાબર બ્રહ્મબટુ જ થાય.”

મલ્લરાજ – “ત્યારે શું ત્હારા મનમાં એમ છે કે સત્ય વાત એકદમ સાંભળી શકવાની રાજાઓમાં શક્તિ નથી ? ”