પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


“ વિહારપુરીજી ! આપનાં વચનામૃતથી જ શેષનો ભાર ઉતરે એમ છે તો પછી આપના ગુરુજીનો ચંદ્રના જેવો શાંત પ્રકાશ આત્માને શાંત કરે તો તેમાં શી નવાઈ છે ?” સરસ્વતીચંદ્રને વિનોદ કરવાનું મન થયું અને પોતાને જીવિતદાન આપનાર જેવાઓને ઉપકારવશ થઈ તેમને બે મધુર વચન ક્‌હેવાં એ પોતાનો ધર્મ સમજ્યો. પ્રીતિને બદલો પ્રીતિ.

વિહારપુરી પુરેપુરો પ્રસન્ન થયો અને રાધેદાસને ક્‌હેવા લાગ્યો: “ જો ! પળેપળ જાય છે તેમ તેમ ગુરુજીના વચનના પડેપડ ઉઘડે છે. આ વધામણું અક્ષરેઅક્ષર ગુરુજીની પાસે ખાઈશ અને તે પછી આવા બુદ્ધિશાળી અધિકારી અતિથિનો સત્કાર સારી રીતે થાય એવી તત્પરતા રાખીશ. ગુરુજીને પરવારતાં હજી બે ચાર ઘડીની વાર છે ત્યાં સુધી - રાધેદાસ ! - નવીનચંદ્રજીને સુન્દરગિરિના તટ પાસે લઈ જા, તળેટીનાં અને શિખર ઉપરનાં સર્વ સુંદર ધામ અને વસ્તુઓનું તેમને દિગ્દર્શન કરાવી દે, તેમને આપણા મઠની અને ગુરુજીની સર્વ વાર્તા વિદિત કરી દે, સર્વ સાધુમંડળમાં એમને પ્રસિદ્ધ અને પરિચિત કર, અને એમનું ચિત્ત જે રીતે પ્રસન્ન થાય એમ કર. મ્હારે પાછાં આવવાનો સમય થાય ત્યાંસુધી આટલું કર્તવ્ય તને સોંપું છું.”

લાંબા પગલાં ભરતો વિહારપુરી ચાલ્યો ગયો અને રાધેદાસ અને સરસ્વતીચંદ્ર બે જણ એકલા રહ્યા. રાધેદાસ અતિથિને પર્વત ઉપર જુદે જુદે ઠેકાણે લેઈ ગયો. પર્વતને અનેક શિખર હતાં. જે શિખર ઉપર વિષ્ણુદાસનો મઠ હતો તેનું નામ યદુશ્રૃંગ હતું. એની પાછળ વધારે ઉચું શિખર તીર્થાંગ નામનું હતું. તેના ઉપર જૈન વર્ગની ભવ્ય ગુફાઓ અને ભાતભાતનાં દેવાલય હતાં. તેનાથી પણ ઉંચે મત્સ્યેન્દ્ર શ્રૃંગ હતું. ત્યાં મત્સ્યેન્દ્ર અને ગોરખની મ્હડીઓ હતી અને આજ ત્યાં માત્ર બે ચારેક યોગીયો ર્‌હેતા હતા તે યોગશાસ્ત્ર પ્રમાણે યોગ સાધતા હતા. આ શ્રૃંગ ઉપર જવાનો માર્ગ ઘણો ઉંચો, સાંકડો, ગલીકુંચીવાળો અને આડો અવળો હતો. એ માર્ગ ઉપર જતાં માંકડાં, રીંછ, સર્પ અને વાઘનો ઉપદ્રવ નડતો. માર્ગ બાંધેલો ન હતો એટલું જ નહી પણ કેટલેક ઠેકાણે તો સાંકડા અણીવાળા પત્થર ઉપરથી પત્થર ઉપર કુદી જવાનું હતું. કેટલેક ઠેકાણે માર્ગ ઉપર ઘાસમાં અને કાંટામાં ચાલવાનું હતું. કેટલેક ઠેકાણે પર્વતની કીલ્લા જેવી બાજુઓ ઉપર ન્હાનાવેલાઓ પેઠે માર્ગ વીંટળાતો હતો અને તે ઉપર ચાલનાર પગલું ચુકે તો બીજી પાસ ઉડાં કોતરો અને નીચી ખાઈમાં પડી જઈ હાડકું પણ ન જડે એમ હતું. કોઈકોઈવખત તો આવા અકસ્માત બનેલા પણ ક્‌હેવાતા. કેટલીક વખત તો ત્યાં જનારાને આંખે તિમિર ચ્હડતું અને તે પાછા આવતા.