પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
પ્રકરણ ૧૩.

મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય.

દિવસ ગયો. રાત્રિ આવી, જરાક અંધકાર થયો ત્યાં મેનારાણી હાંફતી હાંફતી રાજા પાસે આવી અને રાજાએ ઉંચું જોયું. રાણીએ નવા સમાચાર કહ્યા.

એજંટ મારફત મુળુએ પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો અને મુળુ કંઈ કંઈ કુભાંડ રચશે એવો સામંતે સિદ્ધાંત કર્યો. મલ્લરાજનું છત્ર મણિરાજનું આયુષ્ય એને કંપતું લાગ્યું. મલ્લરાજને એજંટના પ્રશ્નથી થયેલો ક્ષોભ સામંતના રાજભક્ત હૃદયને હલમલાવવા લાગ્યો અને ધર્મિષ્ટ બન્ધુવત્સલ રાજાનું દુઃખ રાજબંધુથી વેઠાયું નહી- જોઈ શકાયું નહી. પોતાના દુષ્ટ પુત્રના મૃત્યુ શીવાય બીજો કોઈ માર્ગ સામંતને સુઝ્યો નહી. રાજાને દુ:ખમુક્ત કરવામાં રાજાની આજ્ઞાની જરુર ન લાગી. પરરાજ્યમાં પુત્રનું ખુન કરતાં સ્વરાજ્યના ધર્મનું બન્ધન ન લાગ્યું, પરરાજ્યમાં દુષ્ટ પુત્રનું ખુન કરી એ રાજ્યનો રાજા એ ખુનની શિક્ષા કરે તો તે સ્વરાજ્યને અર્થે યુદ્ધમાં ખપમાં આવવા જેવું કીર્તિકર લાગ્યું. રાત્રિના આઠ વાગતાં ચાર પાંચ માણસ લેઈ શસ્ત્ર સજી સામંત ખાચરના રાજ્ય ભણી ચાલ્યો. મુળુની માતાને આ સર્વ કાર્યની વાસના આવી, અને પુત્રમૃત્યુના તર્કથી કંપતી માતા સાહસ કરી મેનારાણી પાસે ગઈ, સમાચાર કહ્યા અને રોઈ પડી, મેનાએ સર્વ સમાચાર રાજાને કહ્યા. રાજા અંધકારમાં નીકળ્યો, અને રત્નનગરીથી બે ચાર ગાઉ આગળ સામંતને પકડી પાડ્યો. સામંત રાજાને દેખી ખીજવાયો, રાજા પાસે ચાલ્યું નહીં, ફરી રાજાની સંમતિ વિના આવું અકાર્ય આરંભવું નહીં એવી પ્રતિજ્ઞા રાજાની પાસે કરવી પડી, ઘેર પાછો આવ્યો, પણ પોતાની સ્ત્રીનું મુખ જોવું તે દિવસથી ત્યજી દીધું.

એમ કરતાં કરતાં દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ ચાલ્યાં, સામંતના માણસ ખાચરની રાજધાનીમાં જઈ મુળુના સમાચાર લાવતાં. મલ્લરાજે રાજ્યનો ભાર ધીમે ધીમે સામંત અને જરાશંકરને માથે નાંખ્યો, અને મણિરાજને પોતાના સહવાસમાં વધારે વધારે રાખ્યો. વિદ્યાચતુરને ક્રમે ક્રમે કામ પછી કામ આપ્યું, અને જરાશંકરનું પદ એના હાથમાં રાખી એનું કામ વિદ્યાચતુરને સોંપ્યું.