પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫

સ્વરાજ્યમાં તથા પરરાજ્યમાં વિદ્યાચતુરની પ્રતિષ્ઠા જામી એટલે એને પ્રધાનપદ સોપ્યું, અને મણિરાજને પોતાનું કામ સોપ્યું. નવા પ્રધાન અને યુવરાજના હાથમાં રાજ્યતંત્રનો રથ રાખી રાજા અને જુનો પ્રધાન માત્ર એ રથ ઉપર દૃષ્ટિ રાખતા અને પોતાના આયુષ્યને સાયંકાળે પરલોક જીતવામાં કેમ વિજયી થવું એ વિષય વિચારવામાં સર્વ કાળ ગાળતા. આ નવા વિષયમાં પણ બ્રાહ્મણ રાજાનું પ્રધાનપદ સાચવતો. આ મહાન વિજયને સિદ્ધ કરવામાં શાસ્ત્રના દીપ પગલે પગલે વાપરવામાં આવતા, અને રાજ્યપ્રસંગોમાં તેમ બીજા પણ ન્હાના મ્હોટા પ્રસંગોમાં પડેલા અનેક અનુભવોના વનમાં આ દીવાઓનો પ્રકાશ પડતાં નવા જ શોધ થતા એ દીવા ધરનારા શાસ્ત્રીએ અને સંન્યાસીઓ રાજા તથા પ્રધાનના અત્યંત સહવાસી થતા ગયા તેમ તેમ ઉભય વર્ગનું પરસ્પર-બહુમાન વધતું ગયું. જે જગત રાજ્યના અંતને નરક ક્‌હેછે તે જ જગત આ રાજા પ્રધાનના રાજ્યને અંતે નવું સ્વર્ગ ઉભું થયેલું જોવા લાગ્યું, યુવરાજ અને તેના પ્રધાનને પણ આ નવા સાગરના કીનારા પાસે ઘડી ઘડી આવવું થતું અને એ સાગરની શીતળ લ્હેરોના લોભનું બીજ તેમના હૃદયમાં રોપાયું.

જ્યારે વૃદ્ધ રાજા અને વૃદ્ધ જરાશંકરનો સંસાર આવાં અવસાન પ્રત્યક્ષ કરવા લાગ્યો ત્યારે વૃદ્ધ સામંત બીજા જ સ્વપ્ન જોતો હતો. યુવરાજ અને નવા પ્રધાનની દેખરેખ તેને સોંપવામાં આવી હતી, અને તેમની અને રાજ્યની કુશળતાનો શત્રુ મુળુ આયુષ્યમાન છે અને તે શત્રુનો ઉચ્છેદ કરવો આવશ્યક છે એ બે સિદ્ધાંત મુળુના પિતા સામંતને વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાની ચિન્તાઓથી ભરવા લાગ્યા, અને એ ઉચ્છેદનાં સાધન શોધવામાં એના મગજને ભમાવી મુકવા લાગ્યા. આજ સુધી એ ઉચ્છેદને વાસ્તે એણે જેટલાં સાધન શોધ્યાં હતાં તેમાં મલ્લરાજ આડે આવ્યો હતો, અને હવે શું કરવું કે મલ્લરાજ આડે ન આવે એ વિચાર મલ્લરાજના બન્ધુરત્ન છોડી શક્યો નહીં, રાજાના અભિપ્રાય ફેરવવા તે અનેક રીતે પ્રયત્ન કરવા લાગ્યો, પણ રાજા એને હમેશ હસી ક્‌હાડતો અથવા બીજી વાતોમાં નાંખી આ વાત ઉડાવતો, અને સામંત મનમાં ખીજવાતો. આખરે એણે રાજાને પડતો મુકી રાજ્યને નિષ્કંટક કરવાનો વિચાર કર્યો.

ખાચરના રાજ્યમાં ગયા પછી પણ મુળુના હૃદયનો અગ્નિ શાંત થયો નહી. મણિરાજ ક્યાં ક્યાં શીકાર કરવા જાય છે તેની એ