પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭

મલ્લરાજ વશ કરી શકે એમ નથી એવી બુમો બીજા માણસો દ્વારા એજંસીમાં મોકલવા લાગ્યો. એજંસીમાંથી તે વીશે અનેક પ્રશ્નો અને સૂચનાઓ રત્નગરી જવા લાગ્યાં અને એ રાજ્યના તંત્રીઓના ગુચવારાઓને વધારવા લાગ્યાં. ત્રિભેટા આગળ આણી પાસ નહી તો આણી પાસ ન્હાસી જતાં બ્હારવટીયાઓને સુલભ પડતું, જડસિંહ અને શઠરાયનું સુવર્ણપુર રત્નનગરી જોડે સંપે એમ ન હતું અને એક પાસથી બ્હારવટીયાઓને પકડવાની તાકીદ કરનાર ફાક્‌સ સાહેબ ઈંગ્રેજી હદમાં પગ મુકે ને શસ્ત્ર વાપરે તો તેમના ઉપર ફોજદારી ચલવે એમ ભય લાગતું. !

એવામાં મલ્લરાજની શરીરપ્રકૃતિ બગડવા માંડી અને એના આયુષ્યનો અંત સમીપ આવતો લાગ્યો. એક વખત ખાચરના રાજ્યમાં જઈ મુળુને પોતે જાતે ઠાર મારવાની યોજના સામંતે ફરી વ્યાધિગ્રસ્ત રાજા પાસે મુકી, એ ખુનને વાસ્તે પોતે ખાચરના રાજ્યમાં ફાંસી ચ્હડવા તત્પરતા બતાવી, અને રત્નનગરીનાં સર્વ કંટક એ દ્વારે નષ્ટ કરવાના માર્ગની યોગ્યતા સર્વ રૂપે પ્રકટ કરી પણ “–ના- એ કામ કદી કરવું નહી–” એવા શપથ રાજાએ સામંત પાસે ઉલટા લેવડાવ્યા અને આંસુ ભરી આંખે સામંતે આજ્ઞાવશ થઈ આ શપથ લીધા.

સામંતે બીજી રચના રચી. પોતાની પુત્રી ખાચરને આપી ખાચરને પોતાના પક્ષમાં લઈ લેવો અને ખાચર મુળુને સોંપી દે એટલે રત્નનગરીમાં કેદ કરવો એવી ધારણાથી સામંતે ખાચરના દરબારમાં પ્રયત્ન આરંભ્યો અને એના હજુરીઓ અને દરબારીઓમાં દ્રવ્ય વેરવા માંડ્યું. ખાચરે આ સંબંધ સ્વીકાર્યો, પણ લગ્ન થયા પછી મુળુ વીશેની સરત તોડી. મુળુની બ્હેને પિતાની આજ્ઞા કરતાં માતાની પ્રીતિ અને ઇચ્છા શ્રેષ્ટ ગણ્યાં. સામંત છેતરાયો અને વ્યાધિગ્રસ્ત રાજા સર્વ વાત સાંભળી અત્યંત હસ્યો.

સામંત હાર્યો નહી. મુળુને આશ્રય આપનાર બ્હારવટીઆ અને ખાચરનાં માણસોને એણે પુષ્કળ દ્રવ્ય ખરચી ફોડ્યાં અને તેટલે સુધી એ ફાવ્યો. એ સર્વ લોક મુળુને ફસાવવા તત્પર થયા અને મુળુએ તે વાત જાણી નહી, પણ મુળુની પોતાની સજ્‌જતા અને સાવધાનતા એ સર્વના પ્રપંચ કરતાં બળવાન હતી.

આણીપાસથી સામંત અને મણિરાજના પ્રયત્ન રાત્રિદિવસ